નામોદિષ્ટ અધિકારીએ નોટિસ પાઠવીને 3 એપ્રિલે હાજર રહેવા તાકીદ કરી
મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરીને સમર્થન કરનાર કોંગ્રેસના ૧૬ કોર્પોરેટરોને ગાંધીનગરના નામોદિષ્ટ અધિકારીએ નોટિસ પાઠવી વધુ સુનાવણી માટે આગામી ત્રીજી એપ્રિલે હાજર રહેવા તાકીદ કરી છે. તાજેતરમાં મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે કોંગ્રેસનાં જ ૧૭ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી. અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે મળેલી ખાસ સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા વ્હીપ જારી કરીને અવિશ્વાસ દરખાસ્તના વિરોધમાં મતદાન કરવાનો આદેશ કરાયો હતો.
તેમ છતાં કોંગ્રેસનાં ૧૬ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરતાં ઘનશ્યામ સોલંકીએ પ્રમુખપદ ગુમાવવું પડ્યું હતું. તેથી શહેર કોંગ્રેસ પ્રમુખે વ્હીપનો અનાદર કરનાર સભ્યોને નોટિસ પાઠવી દિન-૩ માં ખુલાસો કરવા તાકીદ કરી હતી. જો યોગ્ય ખુલાસો નહી કરાય તો પક્ષાંતરધારાની કાર્યવાહી કરવાની ચીમકી અપાઇ હતી. તેમ છતાં વ્હીપનો અનાદર કરનારા સભ્યોએ ખુલાસો નહી કરતાં પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ પક્ષનાં વ્હીપનો અનાદર કરવા બદલ કોંગ્રેસનાં ૧૬ સભ્યો સામે પક્ષાંતરધારાની કાર્યવાહી થાય તે માટે ગાંધીનગર નામોદિષ્ટ અધિકારીની કોર્ટમાં અરજી કરીને ૧૬ કોર્પોરેટરો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવાની દાદ માંગી હતી. તેના પગલે નામોદિષ્ટ અધિકારીએ ૧૬ કોર્પોરેટરોને નોટિસ પાઠવીને કોઈ રજૂઆત કરવી હોય તો ગાંધીનગરના નવા સચિવાલયમાં આવેલી કચેરી ખાતે ત્રીજી એપ્રિલના રોજ ૪-૩૦ કલાકે સુનાવણી રાખી હોવાનું જણાવ્યુ છે.
ક્યાં સભ્યોને નોટિસ પાઠવવામાં આવી ?
મહેશ પટેલ, રમેશ પટેલ, સુનિલ ભીલ, પલ્વીબેન પટેલ, સંજય બ્રહ્મભટ્ટ, રઈબેન પટેલ, શારદાબેન પરમાર, નવિન પટેલ, હિરેન મકવાણા, પુરીબેન પટેલ, મોતીબેન ઠાકોર, વિરમ પટેલ, ચેતનાબેન પટેલ, ગાયત્રીબેન ચાવડા, શોભનાબેન ઠાકોર, નંદાબા ઝાલા
પાલિકા પ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસ તૂટે તેવી સંભાવના
અવિશ્વાસ દરખાસ્ત પસાર થયા સમયે કોંગ્રેસનાં કોર્પોરેટરો બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. પરંતુ પાલિકા પ્રમુખની ચુંટણી જાહેર થતાં કોંગ્રેસનો પ્રમુખ ચુંટાય તે માટે બંને જૂથો એક થયા હતા. બજેટ બેઠક વખતે બંને જૂથો સભાખંડની બહાર નીકળી જતાં તેની ભાજપના સભ્યોને પ્રતિતી થઈ હતી. પરંતુ પક્ષાંતરધારાની નોટિસો મળતાં જ ૧૬ કોર્પોરેટરોમાં ફરી ગણગણાટ શરૂ થયો છે અને આગામી ૨૦ માર્ચે યોજાનાર પાલિકા પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ જાય તેવી સંભાવના છે.