મહેસાણા જિલ્લામાં વધુ 13 કોરોના શંકાસ્પદ વ્યકિતના સેમ્પલ પૈકી 12 નેગેટિવ આવ્યાં, એકનો રિપોર્ટ પેન્ડિંગ

185

રાજસ્થાનનાં એક વૃદ્ધા સહિત જિલ્લામાં કુલ 29 શંકાસ્પદનાં સેમ્પલ ટેસ્ટ કરાયાં

મહેસાણા,

મહેસાણા જિલ્લામાં શુક્રવારે રાત્રે વધુ ૧૨ કોરોના શંકાસ્પદ દર્દીઓનાં સેમ્પલ લેવાયાં હતાં, જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે શનિવારે રાજસ્થાનથી સારવાર માટે આવેલાં ૭૬ વર્ષિય મહિલાનું સેમ્પલ લેવાયું હતું તેનો રિપોર્ટ પેન્ડીંગ છે. આમ મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કોરોના શંકાસ્પદ કુલ ૨૯ દર્દીઓનાં સેમ્પલ લેવાયાં હતાં, જેમાંથી ૨૮ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

જે ૨૯ સેમ્પલની વિગત જોઈએ તો, મહેસાણા જિલ્લામાં અગાઉ કોરોના અંગેની ખાસ બનાવેલી સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાંથી ૧૩ અને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાંથી ૩ મળીને કુલ ૧૬ સેમ્પલ લેવાયાં હતાં, જે નેગેટિવ આવ્યાં હતાં. શુક્રવારે રાત્રે વડનગરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી લેવાયેલાં ૧૨ સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટિવ આવ્યો છે. જ્યારે સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં આજે રાજસ્થાનનાં ૭૬ વર્ષિય મહિલાનું સેમ્પલ શનિવારે સવારે લેવાયું હોઈ તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ઉપરાંત જિલ્લામાં વિદેશથી આવેલા મુસાફરો પૈકી હાલમાં ૭૯૫ મુસાફરોનો ૧૪ દિવસનો ઓબ્ઝર્વેશન સમય પૂર્ણ થયેલો છે, જ્યારે ૨૨૬ હજુ પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે. ૧૦ મુસાફરો સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં જ્યારે ૨૪ ખાનગી ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં રખાયેલા છે. મહેસાણા જિલ્લામાં લોકડાઉન તથા જાહેરનામાના ભંગ બદલ ૧૪૨ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જિલ્લામાં ૩,૬૮,૦૪૫ લોકોને આયુર્વેદિક ઉકાળા અને ૨,૫૬,૭૭૨ લોકોએ હોમિયોપેથિક દવાઓનું સેવન કર્યું છે. જિલ્લાના લોકો કોરોના વાયરસ સંક્રમણ અંગે માહિતી, માર્ગદર્શન અને રજૂઆત માટે ૦૨૭૬૨-૨૨૨૩૨૪ પર સંપર્ક કરી શકે છે.

73 ખાનગી તબીબોએ Dr.TeCHO એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કર્યું

મહેસાણા જિલ્લાની ખાનગી હોસ્પિટલો અને તબીબો પાસેથી SARI (સિવિયર એક્યુસ રેસ્પીરેટરી ઈન્ફેક્શન) મતબલ કે ન્યુમોનિયા કે અન્ય કોરોના સંબંધિત લક્ષણો ધરાવતા દર્દીઓની માહિતી તાત્કાલિક આરોગ્ય વિભાગને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા Dr.TeCHO Application શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના ૭૩ ખાનગી તબીબોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે તબીબો દ્વારા લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર તથા સેવા પુરી પડાઇ રહી છે. એપ્લીકેશનની મદદથી માહિતી મળતાં જિલ્લા આરોગ્ય તંત્ર પણ તેવા કેસનું ફોલોઅપ કરી શકશે.

અમદાવાદથી આવેલા 8 ને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં

મૂળ આગ્રાના અને અમદાવાદથી મહેસાણા રેલવે ટ્રાફિક કોલોનીમાં સંબધિના ઘરે કે પોતાના પરિવાર પાસે ૮થી ૯ લોકો આવ્યા હતા. જે અંગે રેલવે હોસ્પિટલમાંથી જાણ કરાતાં મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શનિવારે તેમનું મેડિકલ ચેકઅપ કરીને તમામને ૧૪ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા અને તેમનાં ઘર આગળ સૂચના લગાવાઈ હતી.

Share Now