કાલથી શું ખૂલશે ? શું નહિ ? સાંજ સુધીમાં થશે ગાઈડલાઈન જાહેર : ચા-પાનના ગલ્લાઓને પણ આવતીકાલથી ખોલવાની મંજુરી

168

– આજથી દેશવ્‍યાપી લોકડાઉન ૪.૦નો અમલ શરૂ : રાજ્‍યના મુખ્‍ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્‍ફરન્‍સમાં થતી સમીક્ષા : જે બાદ છૂટછાટોની યાદી જાહેર થશે : પાન-માવાની દુકાનો,ચા-ફરસાણની દુકાનો,હેર કટીંગ સલુન,રેસ્‍ટોરન્‍ટની હોમ ડીલીવરી,ઓફિસો અને દુકાનો વગેરે ખોલવા મંજુરી અપાશે : પ્રતિબંધો માત્ર કન્‍ટેનમેન્‍ટ ઝોન અને બફર ઝોનમાં જ રહેશે : શાળા-કોલેજો,મોલ,જીમ,ધાર્મિક મેળાવડા, મંદિરો,જાહેર સમારંભ હજુ બંધ જ રહેશે : સાંજે ૭ થી સવારે ૭ સુધીનો કર્ફયુ પણ રહેશેઃ સાંજે ૫ ની આસપાસ દુકાનો બંધ કરવી પડશે

ગઈકાલે કેન્‍દ્ર સરકારે લોકડાઉન ૪.૦ તા. ૩૧મી મે સુધી લંબાવી દીધુ છે,પરંતુ છૂટછાટો આપવાનો અધિકાર જે તે રાજ્‍ય સરકારો ઉપર નિર્ધારીત કર્યો હોવાને પગલે જે તે રાજ્‍ય સરકારો પણ છૂટછાટો આપવા અંગેની માર્ગદર્શિકાઓ ઘડી રહી છે.ગુજરાતમાં પણ ગઈકાલે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાત અનુસાર આજે સવારે મુખ્‍ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્‍ફરન્‍સીંગનો પ્રારંભ થયો છે જેમા જે તે જિલ્લાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ પછી સાંજ સુધીમાં છૂટછાટો અંગેની યાદી બહાર પાડવામાં આવે તેવી શકયતા છે.જો કે ગુજરાતે કેન્‍દ્રની માર્ગદર્શિકાઓનો ચૂસ્‍તપણે પાલન કરવાનું નક્કી કર્યુ હોવાથી સાંજે ૭ થી સવારના ૭ સુધી ગુજરાતમાં કર્ફયુ ચાલુ રહેશે.જે પણ છૂટછાટ અપાશે તે ૭ પહેલા અમલી બનશે.જો બજારો,દુકાનો વગેરે ખોલવાની મંજુરી અપાશે તો તે સાંજ સુધીની જ રહેશે.

મળતા સમાચાર મુજબ કોરોના સંકટને પહોંચી વળવા કેન્‍દ્રની મોદી સરકારે લોકડાઉન ૪.૦ બે સપ્તાહ લંબાવ્‍યુ છે.તેમણે છૂટછાટોમાં રમતગમત સંકુલ, સલુન શોપ અને બસોની પણ વાત જણાવી છે.કેન્‍દ્રએ શાળા,કોલેજો,જીમ,ધાર્મિક સ્‍થળો,સિમેના,મોલ્‍સ વગેરે બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ આ બધુ બંધ રહેશે.મંદિરો પણ ૩૧મી સુધી બંધ રહેવાના છે.જો કે કેન્‍દ્રએ આપેલી સત્તા અનુસાર ગુજરાત સરકારે આર્થિક પ્રવૃતિ પુનઃ શરૂ કરવા તૈયારી શરૂ કરી દીધી છે.આજે સવારે ૧૧ વાગ્‍યાથી મુખ્‍ય સચિવે તમામ જિલ્લાઓના કલેકટરો,મ્‍યુનિસિપલ કમિશ્નરો સાથે વિડીયો થકી બેઠક કરી સ્‍થિતિનો તાગ મેળવ્‍યો છે અને આ બેઠકને આધારે સાંજ સુધીમાં છૂટછાટોની યાદી જાહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ગુજરાતમાં વેપાર-ધંધા પુનઃ શરૂ થાય તે માટે સરકારે મન બનાવ્‍યુ હોવાથી મોટાભાગની દુકાનો આવતીકાલથી ખુલી જશે એટલુ જ નહિ જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચા-પાનના ગલ્લાઓને પણ આવતીકાલથી ખોલવાની મંજુરી સરકાર આપી દે તેવી શકયતા છે. જો કે આ બધી છુટ કન્‍ટેનમેન્‍ટ ઝોન અને બફર ઝોનમાં અમલી નહિ બને.આવતીકાલથી હોટલો ફુડની હોમ ડીલીવરી પણ કરી શકશે.મિઠાઈ અને ફરસાણની દુકાનો પણ આવતીકાલથી ખુલી જાય તેવી શકયતા છે.બસો પણ નિયમોને આધીન શરૂ થાય તેવી શકયતા છે.ગુજરાતમાં આવતીકાલથી જ જાહેરમાં થુંકવા પર ૨૦૦ રૂા.નો દંડ અમલી બનશે.સરકાર દ્વારા સાંજ સુધીમાં આ અંગેની જાહેરાત કરી દેવામાં આવશે.જો કે લોકોએ અનેક પ્રકારના નિયમોનું પાલન કરવુ પડશે.ભીડભાડ ન થાય તે રીતે દુકાનો અને ઓફિસો ખોલવાની રહેશે.સાંજે ૭ થી સવારે ૭ સુધી કર્ફયુનુ પાલન કરવુ પડશે.એવુ જાણવા મળે છે કે દુકાનો ખોલવાની મંજુરી અમુક કલાકો પુરતી જ રહેશે.

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં આર્થિક પ્રવૃતિ શરૂ થાય અને લોકોને રોજીરોટી પુનઃ મળવી શરૂ થાય તે માટે મુખ્‍યમંત્રીએ પણ કેન્‍દ્રમાં રજૂઆત કરી હતી.તેને પગલે હવે ગુજરાત પણ છુટછાટો આપવા તરફ જઈ રહ્યુ છે.સાંજે કઈ જાહેરાત થાય છે તેના પર સૌની મીટ છે.

Share Now