મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ સાથે સદી પૂરી

182

– મહેસાણા જિલ્લામાં શુક્રવારે વધુ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાવા સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૦૦ થઈ છે.શુક્રવારે નોંધાયેલા દર્દીઓમાં કડીના બે સફાઈ કામદારો સહિત પાંચ કડીનાં છે, જ્યારે એક બહુચરાજી તાલુકાના મંડાલી અને એક જોટાણાના દર્દીનો સમાવેશ થાય છે. જેમાં જોટાણાનાં ૮૦ વર્ષિય વૃદ્ધાનું શુક્રવારે સાંજે સારવાર દરમિયાન મોત થયું હતું.

મહેસાણા : મહેસાણા જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાંથી લેવાયેલાં સેમ્પલો પૈકી ૭૪ સેમ્પલનો રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો.જેમાં ૬૯ નેગેટિવ અને પાંચ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.પોઝિટિવ આવેલાં પાંચ દર્દીઓમાં કડીની રાજ વૈભવ સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષિય પુરૂષ અને સક્રપુરા વિસ્તારમાં રહેતાં ૪૬ વર્ષિય મહિલા કડી નગરપાલિકાના સફાઈ કામદારો છે,કડીની જુની બરોડા બેન્કની બાજુમાં રહેતા ૭૫ વર્ષિય પુરૂષ કે જેઓ ૧૧ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા,બહુચરાજીના મંડાલીમાં શંકરભવન મંદિર પાસે રહેતા ૬૦ વર્ષિય પુરૂષ અને જોટાણાનાં ૮૦ વર્ષિય વૃદ્ધાનો સમાવેશ થાય છે.આ પાંચેય દર્દી મહેસાણા સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં દાખલ કરાયેલાં છે.જે પૈકી જોટાણાનાં ૮૦ વર્ષિય વૃદ્ધાનું શુક્રવારે સાંજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ વૃદ્ધાને ન્યુમોનિયા સહિતની તકલિફના કારણે ૨૬ તારીખે ખાનગી હોસ્પિટલમાંથી રીફર કરી સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.જે સાથે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૬ દર્દીઓનાં મોત થયાં છે.ઉપરાંત અમદાવાદથી સેમ્પલ લેવાયું હોય તેવી મહેસાણા જિલ્લાની બે મહિલાઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં કડીનાં હાથીવાડ વિસ્તારનાં ૬૨ વર્ષીય મહિલા અને ચબુતરા ચોક વિસ્તારનાં ૬૭ વર્ષનાં મહિલાનો સમાવેશ થાય છે.આ બે દર્દીઓને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલાં છે.જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૦ થઈ છે,જેમાંથી ૭૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,જ્યારે ૬ દર્દીનું મોત નિપજ્યું છે.

જિલ્લામાં 8 હોસ્પિટલોમાં 1405 સેમ્પલ લેવાયાં

મહેસાણા જિલ્લામાં આઠ હોસ્પિટલોમાં અત્યાર સુધી કુલ ૧૪૦૫ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે.જેમાં ૧૨૫૩નું પરિણામ નેગેટિવ જ્યારે ૯૧ કેસ પોઝિટિવ આવ્યા છે.૧૨ દર્દીના રિપીટ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેમજ શુક્રવારે લેવાયેલાં ૪૯ સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે.જિલ્લામાં નોંધાયેલાં કુલ ૧૦૦ દર્દીઓ પૈકી ૪ કેસનું ગાંધીનગર અને ૧૦નું સેમ્પલ અમદાવાદ ખાતે લેવાયું હતું,જે પોઝિટિવ જાહેર થયા હતા.

Share Now