રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વધુ તૂટી, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું પણ રાજીનામુ

162

– વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અક્ષય પટેલ અને જીતુ ચૌધરીના રાજીનામા મળ્યાની જાહેરાત કરી
– હજુ વધુ રાજીનામા પડે એવી શક્યતા વચ્ચે કોંગ્રેસ વિધાનસભાની બેઠક

ગાંધીનગર : રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણી અગાઉ કોંગ્રેસ વધુ તૂટી છે.ગુજરાત કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો કરજણના એમએલએ અક્ષય પટેલ અને કપરાડાંના એમએલએ જીતુ ચૌધરીએ રાજીનામા આપી દીધા હોવાના અહેવાલો વહેતાં થતાં જ રાજ્યની રાજકીય ઉત્તેજના વ્યાપી ગઇ છે.વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બે દિવસથી સંપર્ક વિહોણાં. આ ઉપરાંત ઠાસરાના કાંતિ સોઢા અને પણ સવાર સુધી કોંગ્રેસના સંપર્કમાં ન હતા અને આગામી સમયમાં વધુ રાજીનામાં પણ પડે તેવી શક્યતાઓએ કોંગ્રેસના નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કરજણ અને કપરાડાંના કોંગ્રેસના ધારાસભ્યાના રાજીનામાં તેમને મળ્યા હોવાની જાહેરાત કરી હતી.

ગુજરાત સહિત દેશની રાજ્યસભાની ખાલી પડેલી ૧૮ બેઠકો માટે ૧૯ જૂનના રોજ યોજાનારી ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિ તેજ થઇ છે. કોરોના મહામારીના કારણે ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી મોકુફ રખાઇ હતી.ચાર બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારો ઊભા રાખ્યા છે.આને કારણે મતના અંકગણિતમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખેરવે તો જ જીત શક્ય છે એ સંજોગોમાં માર્ચ મહિનામાં કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં લીમડીના સોમા ગાંડાભાઇ પટેલ,ધારીના જે.વી. કાકડીયા,અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રવિણ મારું અને ડાંગના મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.

રાજ્યસભાની બેઠકો જીતવા માટે ભાજપ પાસે હાલ ૧૦૩ ધારાસભ્યોના મત છે જ્યારે કોંગ્રેસ પાસે ૭૩માંથી સાત રાજીનામા પડતાં સંખ્યાબળ ઘટીને ૬૬ થયું હતું.આ સિવાય એક અપક્ષ,એક એનસીપી તથા બે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્યોના મત મહત્વના છે.એક રાજ્યસભા બેઠક જીતવા માટે ૩૬ જેટલા મત જોઇએ એમ છે કોંગ્રેસને ત્રણ ધારાસભ્યના મત ખુટે છે જ્યારે ભાજપને બે ધારાસભ્ય મત ખુટે છે.ભાજપે એનસીપી અને બીટીપીના મતો અંકે કરી લીધા હોવાનો દાવો કર્યો હતો.બીજી તરફ કોંગ્રેસે પણ આ ત્રણેય મત મેળવવાની રણનીતિ ઘડી રાખી છે.

આ સંજોગોમાં ગુરુવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક શરૂ થાય એ પહેલાં જ એકાએક રાજીનામાના સામાચાર વહેતાં થયા હતા.કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે એ નિશ્ચિત બની રહ્યું છે જ્યારે આણંદ જિલ્લાના ઠાસરાના ધારાસભ્ય કાંતિ સોઢાના રાજીનામું આપ્યાની પણ અટકળ વહેતી થઇ એટલે સોઢા (પરમાર)એ મીડિયા સમક્ષ ઉપસ્થિત થઇ તેમણે રાજીનામાની અફવાનું ખંડન કર્યું હતું.તેઓ અમદાવાદમાં પક્ષની બેઠકમાં હાજરી આપવા પહોચ્યા છે. જ્યારે જીતુ ચૌધરી સહિત પાંચ ધારાસભ્યે માર્ચ મહિનામાં કોંગ્રેસ જ્યારે ધારાસભ્યો જયપુર લઇ ગયા ત્યારે સૌથી મોડા પહોંચ્યા હતા.આ જ રીતે ચૌધરી ફરી સંપર્ક વિહોણા થયા છે. હવે જોવાનું રહે છે કે તેઓ આ બેઠકમાં હાજરી આપવા પહોંચે છે કે કેમ.

ખોટા કેસ,લાલચ,મંત્રી પદની લોભલાલચ,ધમકીથી તોડફોડ કરી રહી છે,તેમ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ ઉપર આરોપ મુક્યો હતો.તેમણે બન્ને બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.

‘ધમણ’ની કમાણીમાંથી ધારાસભ્યોની ખરીદી શરૂ: ધાનાણી

રાજ્યસભાની ચૂંટણીને લઇ રાજીનામા આપ્યાની અટકળો વચ્ચે વિપક્ષી નેતા પરેશ ધાનાનીએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી કે, ‘કાળા કામનો સરવાળો… કે શું હવે ધમણની કમાણીથી જ શરૂ કરી દીધી છે.. ધારાસભ્યોને ખરીદવાની દુકાન ?.’ “કોરોના,કમળ અને કેકે”” કોરોનાની કઠણાઈમાં મુરઝાયેલા “‘કમળ'”ને ફરીથી ખિલવવા.., શું કેરી ખાઈને “‘કેકે'” જ કરી રહ્યા છે કાળા કામની કળા.?

Share Now