વડોદરામાં જામીનમુક્ત હત્યાના આરોપી-સમર્થકોએ ‘ઓડી’માં રેલી કાઢી: ગુનો દાખલ

207

વડોદરા તા.9 : વડોદરા સેન્ટ્રલ સેલમાં હત્યાના કેસમાં સજા કાપી રહેલા શખ્સને જામીન મળતા તેણે તેના મિત્રો સાથે મળીને ઓડીમાં ફિલ્મી સ્ટાઈલમાં રેલી કાઢયાની ઘટના સામે આવી છે.લોકડાઉનમાં કાયદાની સરેઆમ ધજીયા ઉડાડતી આ ઘટનામાં પોલીસે ગુનો નોંધીને ઓડી કાર કબ્જે કરી છે.

વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતાં સુરજ કહર અને તેના મિત્રોએ લોકડાઉનનો ઉલ્લંઘન કરીને ઓડીમાં રેલી કાઢતાં તેમનાં વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.આ કેસની વિગત એવી છે કે, 23 ફેબ્રુઆરીના રોજ કહર અને તેના મિત્રોએ તેમની કારને ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેવલ જાદવ ઉર્ફે દેવલને વાઘોડીયા રોડ પર ઢોર માર માર્યો હતો.ગંભીર રીતે ઘાયલ થયેલાં કેવલે સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવને લઈને પોલીસે કહર સહિત 6 સામે ગુનો નોંધ્યો હતો.કહર સહિતના તમામ શરૂઆતમાં અન્ડરગ્રાઉન્ડ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તમામની ધરપકડ કરી હતી.જે પછી તેને 4 જૂનનાં રોજ જામીન મળ્યા હતા.તેની જાણ થતાં જ કહરનાં મિત્રો ઓડી કાર અને મોટરસાયકલ લઈને વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા.

આ ઘટના અંગે ડીસીપી જયદીપસિંહના જણાવ્યા પ્રમાણે, ‘કહરને 4 જૂનનાં રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.કહર અને તેના મિત્રોએ 4 અથવા તેના કરતાં વધારે લોકોનાં એકઠા થવા પર મનાઈ હોવા છતાં રેલી યોજી કાયદાનો ભંગ કરતાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે અને જેમાં રેલી યોજાઈ હતી તે ઓડી કાર કબ્જે કરવામાં આવી છે.’

Share Now