વડોદરા: ડ્રેનેજના કામ મુદ્દે નવાયાર્ડના રહીશો અને કોંગ્રેસ મહિલા કોર્પોરેટર વચ્ચે તું તું મે મે

216

વડોદરા, તા. 12 જૂન 2020 શુક્રવાર

વડોદરા શહેરના નવા યાર્ડ અમર નગર વિસ્તારમાં ગટર લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર આ વિસ્તારની મુલાકાતે જઇ પોતે કામ કરાવી રહ્યાની વાતો કરતા સ્થાનિક રહીશોએ મહિલા કોર્પોરેટરનો હુરિયો બોલાવતા તેઓ ચૂપકીદી સેવી ચાલતી પકડી હતી.નવાયાર્ડ વિસ્તારના અમરનગરમાં સાંસદ રંજનબેન ભટ્ટની ગ્રાન્ટમાંથી ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવ્યું હતું. આ ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ તેની પર પુનઃ પેવર બ્લોક લગાવવાનું કામ ચાલતું હતું.

તે દરમિયાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અમરનગર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે લોકોને મળીને તેમણે એમ જણાવ્યું કે આ બધી કામગીરી અમારા થકી કરવામાં આવી છે.જેથી સ્થાનિક રહીશોને આશ્ચર્ય થયું હતું.સ્થાનિક રહીશોએ મહિલા કોર્પોરેટરને સ્પષ્ટ જણાવી દીધું હતું કે આ કામગીરી તો સાંસદની ગ્રાન્ટમાંથી થઈ હતી. જેથી મહિલા કોર્પોરેટરે બચાવ કર્યો કે આ માટે અમે રજૂઆત કરી હતી. જેથી સ્થાનિક રહીશો અને મહિલા કોર્પોરેટર વચ્ચે તું મેં મેં પણ થઈ હતી. જેમાં કોંગ્રેસના માજી કોર્પોરેટરના દીકરા અને સ્થાનિક રહીશોએ મહિલા કોર્પોરેટરના જુઠ્ઠાણાને ખુલ્લો પડયો હતો અને હુરિયો બોલાવતા વિવાદ સર્જાયો હતો.

Share Now