ગાંધીનગર : રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું મોટાભાગે મકરસંક્રાંતિ બાદ તુર્ત જ બહાર પાડવામાં આવે તેવા સંકેત રાજ્ય ચૂંટણી પંચમાંથી મળી રહ્યા છે. સંભવત પણે 18 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનુ જાહેરનામુ બહાર પાડી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરુ કરી હોવાનું ચૂંટણી પંચના સુત્રોમાંથી જાણવા મળેલું છે.
સુરત સહિત રાજ્યભરની તાલુકા-જિલ્લા,નગરપાલિકા અને છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજવા માટે સુપ્રિમ કોર્ટે ફેબ્રુઆરી માસનું અલ્ટીમેટમ આપ્યા બાદ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ કરી છે.રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂટ્ંણીનું જાહેરનામું બહાર પાડવા માટે મોટાભાગે જાન્યુઆરી માસના બીજા સપ્તાહ પછીની તારીખ નક્કી કરી છે.સંક્રાંતિ બાદ મોટાભાગે 18 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને બે તબક્કામાં ચૂંટણી યોજવા માટે હાલ રાજ્ય ચૂંટણી પંચ વિચાર કરી રહી છે.પ્રથમ તબક્કામાં તાલુકા-જિલ્લા પંચાયતો અને બીજા તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવે તેવા સંકેત રાજ્ય ચૂંટણી પંચના સુત્રોમાંથી મળી રહ્યા છે.
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ગઇકાલે તમામ જિલ્લા કલેક્ટરો સાથે તૈયારીની સમીક્ષા કરવાની એક મહત્વની વીડિયો કોન્ફરનસ યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં કોરોનાકાળ વચ્ચે લોકો કોરોનાનો ડર રાખ્યા વગર વધુ પ્રમાણમાં મતદાન કરવા બહાર આવે તે માટે અવેરનેસ કાર્યક્રમો યોજવા તેની સાથોસાથ મતદાન મથકને દર કલાકે સેનીટાઈઝ કરવું,મતદારોને હેન્ડ ગ્લોઝ અને સેનીટાઈઝર આપવા તેની સાથોસાથ ચૂંટણી ફરજના સ્ટાફને ફેસસીલ્ડ,માસ્ક, લીકવીડ શોપ,અને સેનીટાઇઝરની સગવડ આપવાની સૂચના પણ રાજ્ય ચૂંટણી પંચે તમામ વહીવટી તંત્રોને આપી છે.ગઇકાલે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આ વખતે મતદાર યાદી તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે નવા નામો ઉમેરવામાં આવ્યા છે.સાથોસાથ નામ કમી, સરનામા ફેરફાર સહિતના તમામ સુધારાઓની ચોકસાઈપૂર્ણ ડેટા એન્ટ્રી થાય તેની ખાસ કાળજી લઇ ભૂલ વગરની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવે તેના પર ભાર મુકયો હતો.
દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે મતદારોની સંખ્યા વધતી હોય નવા મતદાન મથકોની યાદી તૈયાર કરી તેની દરખાસ્ત તમામ જિલ્લા કલેક્ટરો પાસેથી મંગાવી છે.એક સપ્તાહમાં નવા મતદાન મથકોની યાદી રાજ્ય ચૂંટણી પંચને મળી જાય તે માટે તમામ વહીવટી તંત્રને આદેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી પંચે એક મતદાન મથક દીઠ ગ્રામ્યમાં 1000થી 1200 અને સિટી વિસ્તારમાં 1200 થી 1400 મતદારોને સમાવવામાં આવે તે રીતે મતદાન મથકોનું ગઠન કરવાનું જણાવ્યુ્ં હોવાનું ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી પંચના સુત્રોએ અંતમાં ઉમેર્યું હતું.