શું ફરી લોકડાઉન? : ડોકટરો અને વેપારીઓ કોરોના કાબૂમાં લાવવા આંશિક લોકડાઉનની તરફેણમાં, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

138

– શહેરોમાં ફરજિયાત રાત્રિ કર્ફ્યૂ, ગામડાંમાં સ્વૈચ્છિક લોકડાઉન
– વીકેન્ડ લોકડાઉન લાદી ઝડપી કોરોના કાબૂમાં લાવવા વેપારી એસોસિયેશનની માગણી
– ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને PM મોદીને પત્ર લખી લોકડાઉન કરવા અપીલ કરી

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે.વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી,વલસાડ,કડી,જામનગર,આણંદ-ખેડા,મોરબી,દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ,જેથી ઝડપથી કાબૂ આવી શકે, સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે.ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાકાળમાં એક તરફ નાઈટ કર્ફયૂ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે.એ સમયે અનેક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે.વાસ્તવમાં નાઈટ કર્ફયૂને કારણે રાજ્યમાં વ્યાપાર-ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે, પરંતુ અનેક મેડિકલ સહિત એસો.જે રીતે સ્વયંભૂ લોકડાઉનની વાતો કરી રહ્યાં છે એમાં સરકારનું આડકતરું દબાણ પણ હોવાનું માનવામાં આવે છે.અગાઉ જ ગુજરાત સરકારે લોકડાઉન નહીં આવે એવી જાહેરાત કરી છે અને એમાં પીછેહઠ કરી શકાતી નથી, પરંતુ આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ બની શકે છે.ખુદ વડાપ્રધાને પણ મિની લોકડાઉન અંગે વિચારણા કરવા અધિકારીઓને જણાવ્યું છે; ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે એવી સ્થિતિ બની શકે છે.

ગુજરાતમાં મોટા ભાગના એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા.હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે, ખાસ કરીને હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગોને રાત્રિ કર્ફ્યૂને કારણે વિપરીત અસર પડી છે.એમાં વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ, એટલે કે શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ, જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને એની સાઇકલ તૂટી શકે.

રાજ્યમાં છેલ્લા 44 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે.અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારની સંખ્યા વધારે હતી.રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 21 હજાર 598ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,581 થયો છે તેમજ અત્યારસુધીમાં 3 લાખ 765 દર્દી ડિસ્ચાર્જ થયા છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16252 એક્ટિવ કેસ છે, જેમાંથી 167 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 16,085 દર્દીની હાલત સ્થિર છે.

ગઈકાલે રાજ્યમાં 3 લાખ 280ને રસી આપવામાં આવી છે. અત્યારસુધી 67 લાખ 62 હજાર 638 લોકોને પ્રથમ ડોઝ અને 8 લાખ 10 હજાર 126 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે.કુલ મળીને 72 લાખ 72 હજાર 764નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 73 હજાર 41 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 257 હજાર 343ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

Share Now