PM નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર મોતના સોદાગર : અર્જુન મોઢવાડીયા

85

કોરોના વાયરસની મહામારીમાં આરોગ્ય વિષયક પગલાઓ લેવામાં નિષ્ફળ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર મોતની સોદાગર સાબિત થયેલ છે.તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અર્જુનભાઇ મોઢવાડીયાએ આજે નાગર બોર્ડી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું.તેઓએ જણાવેલ હતું કે સંસદની સ્ટેન્ડીંગ કમિટી તેમજ વિશ્ર્વભરના નિષ્ણાંતોએ કોરોનાની બીજી લહેર મોટી સુનામી બનશે તેવી ચેતવણી આપી હતી તેમજ વડાપ્રધાન મોદીએ પણ ખુદ આ બાબતને સ્વીકારી હતી.

તેમ છતાં વડાપ્રધાન મોદી દ્વારા આ ચેતવણી ઘ્યાનમાં લેવામાં નહી આવતાં પરિસ્થિતિ ગંભીર બની છે.મહામારીના સકંજામાં સપડાયેલા લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નથી કે ઓકિસજનનો પુરવઠો મળતો નથી.લોકો લાચાર બની ગયા છે.સરકારે સ્મશાનમાં પણ જગ્યા રહેવા દીધી નથી. મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.કોરોનાના સતત વધતા જતા કહેરના પગલે શહેરોની સાથે ગામડાઓની હાલત પણ ખરાબ બની છે.મોતની સુનામી માટે ભાજપ સરકાર જ જવાબદાર છે.

અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ઓકિસજન માટે ટ્રાન્સપોટેશન અને સ્ટોરેજની તકલીફ છે.જે પ્રશ્ન સરકાર હલ કરી શકેલ નથી દવા અને ઓકિસજન પૂરા પાડવાએ સરકારની જવાબદારી છે.પરંતુ તેમાં ભાજપ સરકાર તદન નિષ્ફળ નિવડી છે. સરકારે તાકીદના ધોરણે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઇએ સરકારે અહંકાર છોડી સૌનો સહયોગ લેવો જોઇએ.કોરોનાની મહામારીના ફૂંફાડાના પગલે સંક્રમીતોની સંખ્યામાં સતત ઉછાળો આવી રહ્યો છે.તેની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતનો ગ્રાફ સતત ઉંચકાઇ રહ્યો છે.તેમ છતાં સૌરાષ્ટ્રમાં કોરોનાનો પીક આવવાનો હજુ બાકી છે. આગામી તા.15 સુધી હાલત ખરાબ છે.

વધુમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજયમાં પાંચ લાખ રેમડેસીવિર ઇન્જેકશન આપેલ હોવાનું જણાવે છે.પણ માંડ 10 ટકા કોરોનાગ્રસ્ત દર્દીઓને આ ઇન્જેકશન મળેલ ન હોવાનું મોઢવાડીયાએ જણાવી વિશેષમાં એવુ પણ ઉમેર્યુ હતું કેવેન્ટીલેટરોની તંગી પ્રવર્તી રહી છે.વેન્ટીલેટરના અભાવે દર્દીઓ દમ તોડી રહ્યા છે.પરંતુ ખાનગી ડોકટરોને આવા વેન્ટીલેટર મળે છે તો સરકારે પણ વેન્ટીલેટર ખરીદ કરીને તત્કાલ આપવા જોઇએ જેમાં રાજકોટને 200 વેન્ટીલેટર તત્કાલ આપવા જોઇએ. વેન્ટીલેટર મળે તો દર્દીઓના જીવ બચાવી શકાય.

મોઢવાડીયાએ વિશેષમાં જણાવેલ હતું કે કોરોનાની વકરેલી મહામારી માટે તાજેતરમાં મદ્રાસ હાઇકોર્ટે ઇલેકશન કમિશનની ઝાટકણી કાઢી હતી.ચૂંટણીના કારણે સંક્રમણનો વધુ ફેલાવો થયાનો તેઓએ આડકતરી સ્વીકાર કરી જણાવ્યું હતું કે સરકાર હવે સંવેદનશીલ બની મહામારી પર રોક લગાવવા માટે તાબડતોબ પગલા ભરે તે જરૂરી છે.આ તકે કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી અશોકભાઇ ડાંગર,ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ (પૂર્વ ધારાસભ્ય),મહેશ રાજપૂત,વશરામ સાગઠીયા,અશોકસિંહ વાઘેલા,ગાયત્રીબા વાઘેલા તથા જશવંતસિંહ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતાં.

Share Now