ગંગા નદીમાં મળેલા 30 મૃતદેહ ક્યાંથી આવ્યા ? તપાસનો ધમધમાટ: રાજકારણ ગરમાયું: કલેક્ટરે કહ્યું, ક્યાંકથી વહીને આવ્યા છે !

77

નવીદિલ્હી, તા.11 : કોરોના સંકટ વચ્ચે બિહારના બક્સરની ગંગા નદીમાં 30થી વધુ મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો અને આ ઘટના બાદ વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું છે.અચાનક નદીમાં તરી રહેલા મૃતદેહ મળ્યા બાદ તંત્ર દાવો કરી રહ્યું છે કે આ મૃતદેહો પાણીના વહેણમાં વહીને અહીં આવ્યા છે.આ મૃતદેહ ત્રણથી ચાર દિવસ પહેલાંના હોવાનો દાવો કરાઈ રહ્યો છે.બીજી બાજુ આ ઘટના બાદ રાજ્યમાં રાજકારણ પણ ગરમાઈ ગયું છે.આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવે આ ઘટનાને લઈને નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને આડેહાથ લીધા છે.

રાજદ ધારાસભ્ય અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે આ મામલે એક ટવીટ કરીને લખ્યું કે હે ગંગાપુત્ર, તમારી 56 ઈંચની છાતીમાં થોડું ઑક્સિજન ભરો જેથી તમારી આંખો મોટી થાય અને બિહારમાં વહી રહેલી ગંગાને તમે યોગ્ય રીતે જોઈ શકો ! થાકેલા ચાચાજી જો તમારાથી ન થઈ રહ્યું હોય તો બેશર્મીની મર્યાદા શા માટે ઓળંગી રહ્યા છો, ખુરશીનો મોહત્યાગ કરીને રાજીનામું કેમ નથી આપી દેતાં ?તેજ યાદવે પોતાના ટવીટમાં મોદીનું નામ લીધા વગર તેમને ગંગાપુત્ર કહીને સંબોધિત કર્યા હતા. બીજી બાજુ તેજ પ્રતાપ યાદવના નાના ભાઈ અને બિહાર વિધાનસભામાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવે પણ ઘટનાને લઈને ટવીટ કરતાં કહ્યું કે ડબલ એન્જીન સરકાર નિષ્ફળ ગઈ છે જેનો પૂરાવો દેશ જોઈ રહ્યો છે.સ્થિતિ કેટલી ગંભીર હશે તેની કલ્પના કરવી જ ઘડે.અત્યારે હોસ્પિટલોમાં લોકોને જગ્યા મળી રહી નથી. લોકો લાશને ફેંકવા માટે મજબૂર બન્યા છે.

દરમિયાન આ ઘટનાને લઈને બક્સરના કલેક્ટર અમન સમીરે કહ્યું કે આ ઘટનાની તપાસ ચાલી રહી છે.પ્રારંભીક રીતે લાગી રહ્યું છે કે ગંગા નદીમાં મળી આવેલા મૃતદેહ ત્રણ-ચાર દિવસ જૂના છે અને એ પણ સ્પષ્ટ નથી કે આ મૃતદેહ બક્સર જિલ્લાના જ છે કે કેમ ? આ મૃતદેહો ગંગા નદીમાં સીમા સાથે જોડાયેલા રાજ્યમાંથી વહીને આવ્યા છે.આ મામલે અન્ય જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેમાટે સાવધાની રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Share Now