‘તારક મહેતા’ સિરિયલની અભિનેત્રી બબિતાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે વાલ્મિકી સમાજમાં રોષ : કલેકટરને આવેદનપત્ર આપ્યું

85

– કલેકટર કચેરી ખાતે ઝાડુ લઈને સ્વાભિમાન સંગઠન સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પહોંચ્યા

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની અભિનેત્રી બબિતા (મુનમુન દત્તા)એ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે વાલ્મિકી સમાજની લાગણી દુભાતા કાયદેસરના પગલાં ભરવા માટે માંગ કરી છે.સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.આ સાથે બબિતા દ્વારા પોતાની ભૂલ નહીં સ્વીકારે તો આ સિરિયલનું પ્રોડક્શન બંધ કરવા માટની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબિતા દ્વારા દલિત સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીથી વાલ્મિકી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વાલ્મિકી સમાજના અગ્રણીઓ દ્વારા બબિતા સામે એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરી FIR કરવાની માગ કરી છે.સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા બબિતાએ કરેલી ટિપ્પણીને લઇને કલેકટર કચેરી ખાતે ઝાડુ લઈને હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.કોરોના સંક્રમણ સમય દરમિયાન વાલ્મીકિ અને દલિત સમાજ દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવામાં આવી હોવાની વાત કરી હતી.કોઇપણ જાતનો ભેદ-ભાવ રાખ્યા વગર શહેરના લોકોના આરોગ્યને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી સમાજના દરેક વ્યક્તિ જ્યા પણ ફરજ નિભાવે છે તે તમામે કામગીરી નિષ્ઠાપૂર્વક કરી છે.તેવા સમાજનું અપમાન કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી છે.

પ્રસિદ્ધ ટીવી સિરિયલમાં કામ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા દ્વારા આ પ્રકારની ટીપ્પણી કરવી યોગ્ય નથી.ખૂબ જ સિનિયર અભિનેત્રી હોવા છતાં પણ તેમણે પોતાની વાત મુકવા માટે કોઇ સમાજને નિમ્નકક્ષાનું વર્ણન કરવું અયોગ્ય છે.તેમણે કરેલી ટિપ્પણી એ તેમની માનસિકતા છતી કરે છે.કરોડો લોકો અભિનેત્રીના ફોલોવર્સ હોય છે તેમની વાતને ખૂબ જ ગંભીરતાથી લેતા હોય છે.તેઓ પોતે આ પ્રકારની ટિપ્પણીઓ કરે એ યોગ્ય નથી.તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને દાખલારૂપ ઉદાહરણ પુરૂં પાડવું જોઈએ.

સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે બબિતા જો માફી નહીં માંગે તો એની સામે ઉગ્ર લડત ચલાવીશું.કોઈ એક સમાજને આવી મોટી સેલિબ્રિટી અપમાનિત કરે તો સ્વાભાવિક રીતે જ સમાજમાં તેનો રોષ દેખાઈ આવે છે. બબિતા દ્વારા પોતાની ભૂલ નહીં સ્વીકારે તો આ સિરિયલનું પ્રોડક્શન બંધ કરવા માટે પણ અમે પ્રયાસ કરીશું.

Share Now