ટ્વીન સ્ટારના અનિલ અગ્રવાલને વીડિયોકોન કંપની હસ્તગત કરવા મંજૂરી

29

મુંબઈ : નાદાર અને રૂ.૬૩,૫૦૦ કરોડના દેવામાં ડૂબેલી વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ.૩૦૦૦ કરોડ(૪૧ કરોડ ડોલર)માં હસ્તગત કરવા વેદાન્તા ગુ્રપના અબજોપતિ અનિલ અગ્રવાલના ભાગરૂપ કંપની ટ્વિન સ્ટાર ટેકનોલોજીશને ભારતની બેંકરપ્સી કોર્ટે મંજૂરી આપી છે.

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપની જે એર-કન્ડીશનર્સથી વોશિંગ મશીનનું મેન્યુફેકચરીંગ કરતી હતી અને વર્ષ ૨૦૧૭માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી આદેશો બાદ નાદારીમાં ધકેલાયેલી પ્રથમ ૧૨ કંપનીઓમાં વિડીયોકોનનો સમાવેશ હતો.ભારતીય બેંકો છેલ્લા ઘણા વર્ષોથી આ કંપની પાસેથી અબજો રૂપિયાનું ધિરાણ વસુલવા પ્રયાસ કરી રહી હતી.

હવે વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝને અનિલ અગ્રવાલના વેદાન્તા ગુ્રપના ભાગરૂપ ટ્વિન સ્ટાર ટેકનોલોજીસ દ્વારા રૂ.૩૦૦૦ કરોડ ચૂકવીની હસ્તગત કરવા બેંક રપ્સી કોર્ટે મંજૂરી આપી દીધી હોવાનું આ બાબત સંકળાયેલા સૂત્રોએ પોતાની ઓળખ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

આ માટે કંપની ૯૦ દિવસમાં રૂ.૫૦૦ કરોડની ચૂકવણી કરશે અને બાકી રકમ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરો તરીકે આગળના સમયમાં આપશે. ધિરાણદારોએ ડિસેમ્બરમાં જ ટ્વિન સ્ટાર દ્વારા રજૂ કરવામાં આવેલા રિઝોલ્યુશન પ્લાન માટે બેંક રપ્સી કોર્ટની મંજૂરી માગી હતી.

કોર્ટે હવે મંગળવારે તેના ચૂકાદામાં આ પ્લાનને મંજૂરી આપી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝના માથે વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ રૂ.૬૩,૫૦૦ કરોડથી વધુ દેવું હતું.જેમાંથી રૂ.૫૭,૪૦૦ કરોડ ૩૬ બેંકો અન્ય અન્ય ફાઈનાન્શિયલ ધિરાણદારોના લેણાં નીકળે છે.

Share Now