– સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં સીઆર પાટિલના મેન્ડેટની થતી અવગણનાથી ભાજપ માટે આગામી સમય આકરી કસોટીનો રહેશેે
અમદાવાદ-પાલનપુર : બનાસકાંઠા જિલ્લા સહકારી બૅન્કની ચૂંટણીમાં ભાજપના પ્રાદેશિક વડા સી.આર. પાટીલે તેમની પોતાની સહી સાથે આપેલા મેન્ડેટનો અનાદર કરીને જિલ્લા બૅન્કની ચૂંટણી લડેલા ત્રણ ઉમેદવારો પક્ષની ઉપરવટ જઈને વિજેતા બન્યા છે.પરિણામે સી.આર. પાટીની સત્તાને પડકારનારાઓ વધી જવાની દહેશત ઊભી થઈ છે.આ સંજોગોમાં સીઆર પાટીલ પણ પોતાનો કક્કો ખરો કરાવવા માટે આગામી દિવસોમાં વધુ આકરાં પગલાં લઈને આ સ્થિતિને દાબી દેવા ઉગ્ર બને તેવી સંભાવના છે.
ભાજપના સત્તાવાર ઉમેદવારોની પેનલમાંથી છ સભ્ય જ ચૂંટાયા છે.જ્યારે ત્રણ બળવાખોર ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે.આમ ભાજપના પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈન ેતેની સામે ત્રણ ઉમેદવારો પોતાની તાકાત પર લડયા હતા.વડગામની બેઠક પરથી ભાજપના જ હરીફ ઉમેદવારોને સરખા મત મળ્યા હતા.તેમની વચ્ચેની ટાઈ ચિઠ્ઠી ઉપાડીને ઉકેલવામાં આવી હતી.જેમાં ભાજપના સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારની જીત થઈ હતી.વડગામની બેઠક પરથી કેશાભાઈ પરથીભાઈ ચૌધરી ૩૫ મત મેળવી વિજેતા બન્યા છે.સ્થાનિક ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખની વાતની અવગણના કરનારાઓ વધી રહ્યા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી સુધીમાં તેમનો વિરોધ ખાસ્સો વધી જવાની દહેશત ઊભી થઈ છે.આ સ્થિતિમાં ભાજપમાં આગામી દિવસો અને મહિનાઓ આકરાં સંઘર્ષના રહેવાની ધારણા છે.તેમાંય વધી ગુજરાતના સંપૂર્ણ પ્રધાનમંડળને બદલી નાખવાનો નિર્ણય લેવાયો હોવાથી ફેંકાઈ ગયેલા સિનિયર્સ પણ તેમની દાઝ કાઢવાનો તક શોધીને નિર્ણય લેશે તો ભાજપનું ૧૫૦થી વધુ બેઠક મેળવીને વિધાનસભામાં જીત મેળવવાનું સપનું સાકાર થવામાં મોટો અવરોધ આવી શકે છે.અગાઉ બનાસડેરીની ચૂંટણી વખતે પણ ભાજપના બે જૂથો વચ્ચે ચકમક ઝરી હતી.આ તબક્કે કેન્દ્રના મોવડીઓએ તેમાં દખલ કરવાની ફરજ પડી હતી.આ રીતે તેમણે મામલો થાળે પાડવો પડયો હતો.
ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોને મળેલા મત
બેઠક ઉમેદવાર મેળવેલા મત
પાલનપુર – પરથીભાઈ અભાભાઈ લોહ ૩૨
વડગામ – કેશરભાઈ પરથીભાઈ ચૌધરી ૩૫
ડીસા – જિગરભાઈ ભવાનભાઈ દેસાઈ ૧૧૭
દાંતીવાડા – સવસીભાઈ સતાભાઈ ચૌધરી ૨૬
દિયોદર – ઇશ્વરભાઈ તેજાભાઈ પટેલ ૬૮
લાખણી – નારણભાઈ નાગજીભાઈ દેસાઈ ૪૦
ભાભર – પિરાજી કુંવરજી ઠાકોર ૩૮
સુઈગામ – દાનાજી કથુજી ચાવડા ૨૧
ઇતર – ડાહ્યાભાઈ નાનજીભાઈ પિલિયાતર ૬૨૨