સુરત : સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાંથી ચોરી,પાર્સલ ચોરી,ટ્રાન્સપોર્ટર દ્વારા વિશ્વાસઘાત,છેતરપીંડીના બનાવો બને છે.કપડાના વેપારીના ઓછાયા તળે કેટલાક ઠગો ખોટી ઓળખ ધારણ કરી,વેપારીરૂપે ગોઠવાઇ જઇ વિવર્સ,વેપારી એમ્બ્રોઇડરીના વેપારીઓનો વિશ્વાસ કેળવી મોટાપાયે છેતરપિંડી આચરે છે.આવા વધી રહેલા ગુનાઓને અટકાવવાં આ ક્ષેત્રમાં કામ કરતા કારીગર અને મજુરો,વેપારીઓ,કાપડના વિવિધ પ્રકારના દલાલો,ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકો,
દુકાન-ગોડાઉન-મકાન ભાડે અપાવતા એસ્ટેટ બ્રોકર્સ વિગેરેની ઓળખ નિયત કરવી જરૂરી છે.જેથી સુરત પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ
(1) ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલ તમામ વેપારી પેઢીઓ અને દુકાનદારો,ટેક્સટાઇલના તમામ પ્રકારના દલાલો જેવા કે ગ્રે કાપડ,ફિનીશ,એમ્બ્રોઇડરી,યાર્નના દલાલ વિગેરે અને દુકાન મિલકત ભાડે આપનાર દલાલોએ પોતાની વિગત નિયત નમૂનામાં સ્થાનિક પોલીસ સ્ટેશન,માર્કેટ એસોસિએશનની કચેરી અને સંબંધિત ટેક્સટાઇલ એસો.માં રજુ કરવાનું રહેશે.દરેક દલાલ માટે પોલીસ વેરીફિકેશન કરાવવું ફરજીયાત રહેશે.
(2) ટેક્સટાઈલ કંપનીઓએ પોતાના તમામ કર્મચારીઓની વિગત જાળવી દરેક કર્મયારીની બાયોમેટ્રીક વિગત અને ફોટા સાથેનું ઓળખકાર્ડ આપવાનું રહેશે.જેમાં કર્મચારીનું બ્લડગૃપ અને પેઢીના જનસંપર્ક વિભાગનો મો.નં. હોવો જોઈશે.ઓળખકાર્ડ સબંધિત એકમ/માર્કેટની સલામતી વ્યવસ્થા અને ઉપકરણોને અનુરૂપ હોવું જરૂરી છે.ટેક્સટાઈલ દલાલો માટેનું ઓળખકાર્ડ સબંધિત દલાલ એસો. તથા ટેક્સટાઇલ એસો. દ્વારા પ્રમાણિત હોવું જોઈએ.દરેક માર્કેટ એસોસિએશન અને વેપારી ગૃહ કે બિલ્ડીંગની વ્યવસ્થા સંભાળનાર મંડળે તે માર્કેટ/ બિલ્ડીંગમાં અને સલામતિ વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓ,માર્કેટ જાળવણીનું કામ કરતી એજન્સીના સ્ટાફ, તેમજ મજૂર કે હમાલોને ફોટો ઓળખપત્ર જારી કરવાના રહેશે.
આ તમામ ઓળખપત્રો અદ્યતન ટેક્નોલોજીયુક્ત સલામતિ વ્યવસ્થા ઉપકરણોને અનુરૂપ અને ઓળખપત્રધારકની બાયોમેટ્રીક વિગત સાથેના હોવા જરૂરી છે.જાહેરનામાંનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.