સુરતમાં 20 હજારની લાંચ લેતા એક પોલીસકર્મી ઝડપાયો : એક ફરાર

49
  • અરજીના એકતરફી નિકાલ માટે માંગી હતી લાંચઃએલઆરડી વિભાગમાં કાર્યરત બન્ને કર્મચારી વિરૂદ્ધ એસીબીનું ઓપરેશન

સુરત : સુરતના ઉમરા પોલીસ મથકમાં કાર્યરત બે લોકરક્ષક દળના જવાનો બુધવારે વહેલી સવારે 20 હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઈ જતાં સમગ્ર પોલીસ મથકમાં ચકચાર મચી જવા પામી હતી.રૂપિયાની લેતી – દેતી મુદ્દે થયેલ અરજીના નિકાલના નામે 20 હજાર રૂપિયાની માંગણી કરનાર બન્ને પોલીસ કર્મચારીઓને હાલ ખુદ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

ઉમરા પોલીસ મથકમાં એજાઝ હુસેન જુનેજા અને અમીત ધઈરૂભાઈ રબારી લોકરક્ષક વર્ગ-3માં કાર્યરત હતા.આ બન્ને પોલીસ કર્મચારીઓએ રૂપિયાની લેવડ-દેવડ બાબતે કરવામાં આવેલી અરજીના એક તરફી નિકાલ માટે ફરિયાદી પાસે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી.આરોપી પોલીસ કર્મચારીઓએ દમ-દાટી આપતા ફરિયાદીને જણાવ્યું હતું કે,જો રૂપિયા નહીં ચુકવવામાં આવે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે.

પોલીસ કર્મચારી ધમકીને કારણે અંતે ફરિયાદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)નો સંપર્ક સાધવામાં આવ્યો હતો.જેના ભાગરૂપે આજે સિટીલાઈટ ખાતે જમનાનગર પોલીસ ચોકી પાસેથી એસીબી દ્વારા અમીત ધીરૂભાઈ રબારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.જ્યારે એજાઝ હુસેન જુનેજા આ દરોડા દરમ્યાન નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.એસીબીએ સમગ્ર ઘટના અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share Now