પ્રજાના પૈસે તાગડ ધીન્ના !! સુરતના મેયરના બંગલો ફરી વિવાદમાં, હવે ખરીદાયા 2.5 લાખના વાસણો અને 80 હજારના કુંડા

227

સુરત : સુરતના મેયરનો મોંઘાદાટ બંગલો ફરી વિવાદમાં આવ્યો છે.સુરતના મેયર હેમાલી બોઘાવાલાના ઘરનો ખર્ચ પ્રજાના માથે પડી રહ્યો છે. 5 કરોડના ખર્ચે તૈયાર થયલા ઘરનું મેઈન્ટનેન્સ મોંઘુ સાબિત થયું છે.પ્રજાના પૈસાનો મેયરના ઘરની પાછળ હજારો રૂપિયા ખર્ચ કરાઈ રહ્યો છે.

સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો ઉધના-મગદલ્લા રોડ પર 5 કરોડના ખર્ચે બંગલો તૈયાર કરાયો છે.ત્યારે હવે મેયરના સરકારી ઘરનું ખર્ચ મોંઘુ સાબિત થઈ રહ્યું છે.પ્રજા પાસેથી ઉઘરાવવામાં આવેલા રૂપિયા મેયરના બંગલા પાછળ આડેધડ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. મેયરે બંગલામાં વસવાટ કર્યા બાદ 51 હજાર લાઈટ બિલ માટે ચૂકવાયા છે.ત્યાર બાદ મેયરને મનગમતા છોડ નાખવા માટે 2 લાખ 75 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.જ્યારે એસી ડ્રેઈન વોટર પાછળ 1.5 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત હવે નવા વાસણ લાવવા માટે અઢી લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.આટલું જ નહિ, બંગલામા છોડ મુકવા માટે પણ મેયરે પ્રજા પાસેથી વસૂલાયેલા 80 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે.મેયર હેમાલી બોઘાવાલાએ કરેલા આડેધડ ખર્ચને લઈ વિપક્ષના નેતા મહેશ અણધણે સવાલ ઉઠાવ્યા છે.તેમણે કહ્યું કે, નિયમના વિરૂદ્ધમાં મેયરના બંગ્લા પાછળ લાખોના ખર્ચાને મંજૂરી આપવામાં આવી રહી છે.જો નવી વસ્તુ ખરીદીએ તો તેને એસેટમાં ગણી શકાય,પરંતુ મેઈન્ટનેન્સના નામે લાખો રૂપિયાના બિલને મંજૂરી આપવામાં આવી રહી છે.

બંગલામાં કેટલો ખર્ચ

– વીજ બીલનો ખર્ચ 51 હજાર
– છોડની પાછળ 2.75 લાખનો ખર્ચો
– 1.46 લાખ AC ડ્રેઈન વોટર પાછળ ખર્ચ
– 2.5 લાખના નવા વાસણ
– 80 હજારના કુંડા નંખાયા

સુરતમાં મેયરના કરોડોના બંગલાના રસોડા માટે 2.50 લાખ વાસણોની ખરીદી કરવામાં આવી છે.ત્યારે આ ખર્ચા મામલે મેયરે ઢાંકપિછોડો કરતા કહ્યું કે, આ ખરીદી 2020 માં બંગલો બન્યો ત્યારે કરી હતી.આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યા છે કે, ટેન્ડરિંગ કર્યા વગર ખરીદી કરવામાં આવી હતી.તેમજ મેન્ટેનસમાં ખર્ચો પાડી દેવાયો હોવાનો ‘આપ’નો આક્ષેપ છે.વાસણોની ખરીદી મેન્ટેનન્સના કોટા હેઠળ થઇ હોવાનો આક્ષેપ પણ વિરોધ પક્ષે કર્યો છે.તેમણે કહ્યું કે, ભાજપના શાસકો મનફાવે તે રીતે પ્રજાના પૈસે સુવિધાઓ ઊભી કરે છે.
ત્યારે સવાલ એ છે કે, પ્રજાના પૈસાનો આડેધડ મેયરના બંગ્લા પાછળ ખર્ચ કેમ? પ્રજાના પૈસાનો બગાડ કરવા માટે મેયર બન્યા છો? બંગ્લા પાછળ મેઈન્ટનેન્સના નામે આડેધડ ખર્ચા કેમ? મેયરના બંગ્લાના બિલને કેમ ધડાધડ મંજૂરી અપાય છે? 5 કરોડના બંગ્લા બાદ લાખોનું મેઈન્ટનેન્સ કેટલુ યોગ્ય?

Share Now