કમોસમી વરસાદ બાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, ગાઢ ધુમ્મસ છવાઈ જતાં અમદાવાદમાં વહેલી સવારથી હિલ સ્ટેશન જેવું વાતાવરણ

110
  • આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડીગ્રીથી નીચે જવાની સંભાવના
  • કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા

23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ 23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે તેમજ અમદાવાદનું લઘુતમ તાપમાન 9.0 ડીગ્રીથી નીચે ગગડવાની શક્યતા છે તેમજ બેથી ત્રણ દિવસો ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે.જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બે દિવસ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ગરમી વર્તાશે,પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ વાદળો હટતાં આકાશ સ્વચ્છ થતાં ઠંડા પવનો સીધા જમીન પર આવશે,જેને કારણે અચાનક તાપમાનમાં ઘટાડો થતાં કાતિલ ઠંડી પડશે.

આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડી વધશે
હવામાન વિભાગ દ્વાર કરવામાં આવેલી આગાહી અનુસાર,શુક્રવારે બનાસકાંઠા,મહેસાણા,પાટણ,સાબરકાંઠા,કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર-શનિવારે અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,દાહોદ,મહીસાગર, પંચમહાલ, વડોદરા,ભરૃચ,સુરત,રાજકોટ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.માવઠાની અસર ઓછી થતાં જ રાજ્યમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય એવી સંભાવના છે.ગુજરાતમાં આગામી 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં 3થી 5 ડીગ્રીનો 3 દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે.આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડીગ્રીથી નીચે જવાની સંભાવના છે.

Share Now