ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૬.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૮૮.૭૧ સામે ૫૨૯૧૨.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૨૬૪.૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૭.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૨.૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૩૦૬.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૭૩.૨૫ સામે ૧૫૭૯૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૭૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૭.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૯.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૯૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ ઝડપી ઘટી આવી દેશમાં ફરી આર્થિક, ઔદ્યોગિક પ્રવૃતિ ધમધમવા લાગતાં ભારતીય શેરબજારમાં ફરી તેજીના પંથે લઈ જનારા ફંડો, મહારથીઓએ ગઇકાલે સેન્સેક્સમાં નવો ઈતિહાસ રચી ૫૩૦૦૦ પોઈન્ટની સપાટી સપાટી કુદાવી ૫૩૦૫૭ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ બનાવી હતી, જોકે આજે વધ્યામથાળે ફંડોના પ્રોફિટ બુકિંગે અને ખાસ ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટીઝ અને મેટલ શેરોમાં નફો બુક થતાં ભારતીય શેરબજારમાં ઘટાડા નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં ઘણા દિવસોથી ઓવરબોટ પોઝિશનની પરિસ્થિતિ હોઈ આજે ફંડો, મહારથીઓ દ્વારા સેન્સેક્સ-નિફટી બેઝડ નરમાઈએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ઓફલોડિંગ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ વધ્યા સાથે સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવની ચિંતાએ મોંઘવારીનું જોખમી પરિબળ હોવાથી સેન્સેક્સ, નિફટીના નવા વિક્રમો સાથે ફંડોએ સાવચેતીમાં તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૨ અને વધનારની સંખ્યા ૧૫૩૩ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે લોકડાઉન, આર્થિક વ્યવહારો ઠપ્પ પડવા, ઔદ્યોગિક મોરચે પ્રવૃતિ મંદ પડવી અને બેરોજગારીની વધતી સમસ્યા, પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવો અને મોંઘવારીમાં બેફામ વધારો  છતાં ભારતીય શેરબજારોમાં નેગેટીવ પરિબળોને નજર અંદાજ કરીને કેટલાક મહિનાઓથી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે, જોકે હવે તેજીના અતિરેકનો અંતે અંત આવવા લાગ્યો છે.

ચોમાસાની પ્રગતિ સારી રહી હોવા છતાં તેજીના અતિરેકના અંતની શરૂઆતને જોતાં અને વૈશ્વિક મોરચે પણ અમેરિકા દ્વારા ફુગાવામાં વધારાના જોખમને લઈને આગામી દિવસોમાં વ્યાજ દરમાં વધારો કરવાના અપાયેલા સંકેત તેમજ ફરી યુ.કે., યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોઈ ચિંતા વધી છે, અને ક્રુડ ઓઈલના વધતાં ભાવને લઈ આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધવાની પૂરી શકયતાએ ભારતીય શેરબજાર અત્યંત જોખમી તબક્કામાં હોવાથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Share Now