ઊંભેળ બ્રિજ બનાવવા અનેક વખત રજૂઆત છતાં જાડી ચામડીના હાઇવે ઑથોરિટીના અધિકારીઓ કાર્યવાહી નથી કરતા …

52

– હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સરકાર કે કોઈપણ સામાન્ય પ્રજાને ગાંઠતા ન હોવાની લોકચર્ચા

કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ખાતે બ્રિજની માંગણીને લઈને ગ્રામજનોની આજરોજ કામરેજના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયા સાથે મહત્વની બેઠક મળી હતી જેમાં આ વખતે પણ ખો ખો ની જેમ આશ્વાશન લાગતા ગ્રામ જનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

બ્લેક સ્પોટ સમાન કામરેજના ઉંભેળનો હાઇવે ઉપર 6 વર્ષથી વધુના સમયથી ઉંભેળ ખાતે ગ્રામજનો બ્રિજ બનાવવા માંગણી કરી રહ્યા છે પરંતુ કોઈ પ્રકારનો હલ નહીં આવતા આખરે ગ્રામજનોએ રસ્તા રોકો જેવા આંદોલનો ભૂતકાળમાં કરવા પડ્યા હતા પરંતુ તે સમયથી ફક્ત આશ્વાસન જ મળતા આખરે ગ્રામજનોએ હાઇવે ઉપર જ સ્પીડ બ્રેકર બનાવાની ફરજ પડી હતી.જોકે સ્પીડ બ્રેકરથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા આવે છે જેને લઈને આખરે ગ્રામજનોને સ્પીડ બ્રેકર હટાવવા માટે અનેક આગેવાનોએ અપીલ કરી હતી પરંતુ જ્યાં સુધી બ્રીજનું કામ શરુ ન થાય ત્યાં સુધી ગ્રામજનો મક્કમ રહ્યા હતા.જેને લઈને આજરોજ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા પણ ઉંભેળ ખાતે આ મુદાને લઈને બેઠક બોલાવી હતી પરંતુ વર્ષોથી બ્રીજનું કામ રાજ્ય સરકાર અને હાઇવે ઓથોરિટીના સંકલનના અભાવે કોઈના કોઈ કારણોસર કામ નહીં થતા લોકો પણ અકળાયા હતા.એ જ બાબતે આ મિટિંગમાં ગર્માગર્મીનો માહોલ જોવા મળ્યો હતો.જે પગલે ત્યાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરો પણ હાજર રહ્યા હતા પરંતુ આ ચર્ચામાં કોઈ નિવેડો નહીં આવતા કલેકટર કચેરીએ ઉચ્ચાધિકારીઓ સાથે મિટિંગ બોલાવાની ફરજ પડી છે.

ધારાસભ્યએ ગ્રામજનોને સમજાવીને આ કામ પૂરું કરવાની જવાબદારી લીધી

કામરેજના ધારાસભ્ય દ્વારા હાલ તો આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ કેટલા સમય મર્યાદામાં અહીં ગ્રામજનોની માંગણી સંતોષાય છે તે પણ આખરે મોટો સવાલ બની ચુક્યો છે.ધારાસભ્ય દ્વારા ગ્રામજનોને સમજાવીને આ કામ પૂરું કરવાની જવાબદારી લીધી તો છે પરંતુ સરકારને પણ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ગાંઠતા નથી હોવાની લોકચર્ચા જોવા મળી છે.

હાઇવે ઓથોરિટીના અધિકારીને મીડિયા દ્વારા આ બાબતે પૂછતાં તેઓ મીડિયાથી દૂર ભાગ્યા

છ મીટરનો સર્વિસ રોડ છે પરંતુ હાલના ટ્રાફિક ભારણ પ્રમાણે 11 મીટરની જરૂરિયાત હોવાથી તે રિવાઇસ મંજૂરી માટે મોકલ્યું છે તેમજ કામરેજથી લઈને ઉંભેળ સુધી તૂટક તૂટક કામને બદલે સરળ કામ મળે તો આ સમસ્યાનું નીરાકરણ જલ્દી આવે તેમ છે તેવું કોન્ટ્રાકર દ્વારા જણાવામાં આવ્યું હતું.તો બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કોઈપણ વાતે સરકાર કે કોઈ પણ સામાન્ય પ્રજાને ગાંઠતા નહીં હોવાની લોકચર્ચા પણ જોવા મળી હતી.આ મિટિંગમાં હાજર રહેલા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓ આ બધી વાતથી અજાણ હોવાનું જણાવી પોતે કોઈ પણ જાતનું નિવેદન આપવાનો ઇન્કાર કરી મીડિયાથી દૂર ભાગ્યા હતા.

Share Now