રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૦.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૭૩૭.૦૫ સામે ૬૧૦૮૮.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૯૭૮.૦૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૫.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૮.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૩૦૫.૯૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૭૨.૭૫ સામે ૧૮૨૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૪૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૫.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૪.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૫૬.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. દેશમાં ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિઓને વેગ મળી રહ્યો હોઈ ફંડોએ કંપનીઓના શરૂ કરેલા રી-રેટીંગ અને સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના કંપનીઓના પ્રોત્સાહક પરિણામોમાં વિપ્રો, ઈન્ફોસીસના ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થતાં ફંડોએ તેજી કરી હતી. મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષાએ ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેકસે ૬૧૩૫૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૩૬૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં આર્થિક મોરચે દેશમાં ઉદ્યોગો અને કોર્પોરેટ ઈન્ડિયા ફરી બિઝનેસમાં વેગ પકડી રહ્યાના અહેવાલ અને મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષા અને ચોમાસાની સારી પ્રગતિ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે એનજી કટોકટીની પરિસ્થિતિ અને ભારતમાં પણ કોલસાની અછતના પરિણામે વિવિધ રાજયોમાં વીજ કાપના અહેવાલો અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે વધીને ફરી વર્ષની ઊંચાઈએ પહોંચી જવાના નેગેટીવ પરિબળોને અવગણીને આજે ફંડોએ શેરોમાં તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૬ અને વધનારની સંખ્યા ૧૬૫૮ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ફરી નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે પરંતુ હવે એ વાતની ચિંતા છે કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ આ તેજીની અટકાવી શકે છે. બીજી બાજુ કોવિડ-૧૯નો કહેર ઓસરતા ઘણા દેશોએ નિયંત્રણો હળવા કર્યા પછી ઓઇલની વૈશ્વિક માંગમાં વૃદ્ધિ થઇ રહી છે. વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે ક્રૂડની કિંમતોમાં તીવ્ર વૃદ્ધિએ અપેક્ષા કરતાં લાંબા સમય સુધી વૈશ્વિક ફુગાવાની સમસ્યાને વકરાવી શકે છે અને સસ્તી ધિરાણ નીતિનો અંત વહેલો લાવી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો આર્થિક વૃદ્ધિદરને ધીમો પાડી શકે છે.
ગત ૧૮ મહિનાઓમાં નવી એનર્જી સપ્લાયમાં ઓછું રોકાણ, ઓપેક સહિત દેશોનુ પ્રોડક્શન-કટ તેમજ ઓગસ્ટ માસના અંતે ચક્રવાતને કારણે સપ્લાય મંદ રહી અને પરિણામે સપ્ટેમ્બર માસમાં મેક્સિકોની ખાડીમાંથી ઓઇલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ પડયો. અહીં એની પણ નોંધ લેવી કે ચીનમાં તેની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડેનું મસમોટું ઋણ સંકટ પણ તોળાઇ રહ્યુ છે જે ચીન સહિત સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને ફરીવાર મંદી તરફ ધકેલી દેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના કોર્પોરેટ પરિણામો સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્ય તેમજ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.