ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૪૬૧.૨૯ સામે ૫૮૫૫૫.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૬૪૦.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૧૬.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૪.૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૬૯૬.૪૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૩૨.૬૫ સામે ૧૭૪૬૮.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૨૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૨૫૨.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૫૨.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિશ્વ ફરી લોકડાઉન તરફ ધકેલાઈ રહ્યાના સંકેત વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. વિશ્વને હચમચાવી મૂકનાર કોરોના મહામારીમાંથી માંડ માંડ બહાર આવીને વૈશ્વિક અર્થતંત્ર ફરી પટરી પર આવવા લાગ્યું હતું, ત્યાં દક્ષિણ આફ્રિકામાં કોરોનોનો નવો વેરીયન્ટ ઓમીક્રોન મળી આવતાં અને આ વેરીયન્ટ ડેલ્ટા કરતાં પણ ઝડપી ફેલાઈ રહ્યો હોવાના અને વેક્સિનના બન્ને ડોઝ લેનારાઓને પણ સંક્રમિત કરી રહ્યાના અહેવાલ સાથે ડબલ્યુએચઓ દ્વારા વિશ્વને ચેતવ્યા સામે યુરોપના ૧૦ દેશોમાં આ નવો વાઈરસ ફેલાઈ ગયો હોવાના અહેવાલે વિશ્વ ફરી લોકડાઉન તરફ ધકેલાઈ રહ્યાના સ્પષ્ટ સંકેતો વચ્ચે આજે વૈશ્વિક શેરબજાર સાથે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર કડાકો નોંધાયો હતો.

વિશ્વની અગ્રણી વેક્સિન સર્જક મોડર્નાએ પણ ઓમિક્રોન વાઈરસ મામલે ચિંતા વ્યકત કરીને આ વાઈરસ પર વર્તમાન વેક્સિન અસરકારક નહીં હોવાનું સ્પષ્ટ જણાવી દેતાં તમામ વેક્સિન લીધેલાઓ માટે પણ આ વાઈરસ ઘાતક હોવાના ફફડાટે બજારોમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં આરંભિક તોફાની તેજી છેતરામણી નીવડીને ફંડો, મંદીવાળાઓએ તેજીના ખેલાડીઓ – ટ્રેડરો – આંખલાઓને મોટી પછડાટ આપી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૪ અને વધનારની સંખ્યા ૧૮૦૨ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્રમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં ૮.૪નો બમ્પર ઉછાળો આવ્યો છે. અગાઉના એપ્રિલ – જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૨૦.૧% જેટલો વિક્રમજનક ઉછાળો આવ્યો હતો. ગયા વર્ષે સમાન અવધીમાં દેશમાં કોવિડ-૧૯ મહામારીને લીધે દેશમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તેલી હોવાથી આર્થિક મોરચે લગભગ તમામ કામગીરી અટકી પડેલી હતી. આ સંજોગોમાં એપ્રિલ-જૂન ૨૦૨૦ દરમિયાન જીડીપી ૨૪.૪%નો ઘટાડો થયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ અગાઉ જુલાઈ – સપ્ટેમ્બર દરમિયાન ૭.૯% જીડીપી વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જેની તુલનામાં આજે આ આંકડા ૮.૪% જાહેર થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે ભારતીય અર્થતંત્રને ગયા વર્ષે ભારે અસર થઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૨૩.૯%નો તીવ્ર ઘટાડો થયો હતો. ત્યારબાદ બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૭.૫%નો ઘટાડો થયેલો. અલબત ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ફક્ત ૦.૪% રહેલો. ચોથા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરી – માર્ચમાં GDP ગ્રોથ રેટ ૧.૬% નોંધાયો હતો. એકંદરે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જીડીપી -૭.૩% રહ્યો હતો. આર્થિક વૃદ્ધિને વેગ મળ્યો પણ કેટલાક પડકારો હજુ પણ અડીખમ છે. આગામી દિવસોમાં વધતો ફુગાવો, ઉત્પાદન પાછળ ઊંચો ખર્ચ, અને ક્રુડ ઓઈલની કિંમત ઉપરાંત કોરોના વાઈરસના નવા વેરિયન્ટ વગેરે આર્થિક મોરચે મોટા પડકારો તરીકે ઉભરી શકે છે.

Share Now