ઇટ્સ હેપન ઓન્લી ઇન ઇન્ડિયા ટ્રમ્પને કોણે અને કેમ બોલાવ્યા ખબર નથી..!

126

ગાંધીનગર,તા.૨૧
૨૪મીએ ગુજરાતની મુલાકાતે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ગુજરાતી અને હિન્દી સહિત અંગ્રેજી ભાષામાં પણ સેંકડોની સંખ્યામાં પોસ્ટર બેનરો અને હોર્િંડગ્સ બનાવવામાં આવ્યાં છે. અમદાવાદ અને ગાંધીનગરના રસ્તે ઠેર ઠેર લગાવવામાં આવેલા આ બેનરોમાં ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા તો કેટલાકમાં શ્રીમતી ટ્ર્મ્પના ફોટા અને નીચે નમસ્તે ટ્રમ્પ…એમ લખેલું જોવા મળે છે પરંતુ નિમંત્રક કે અન્ય કોઇનું નામોલ્લેખ નથી. તેને લઇને રાજકીય ક્ષેત્રે ચર્ચા છે કે જો આ બેનરો-પોસ્ટરોમાં નિમંત્રકનું નામ કેમ નથી…?! ઉપરાંત તેમાં દોસ્તી મજબૂત કરવાની વાત છે તો કોની સાથે ભારત સાથે કે મોદી સાથે…?
રાજકિય સૂત્રોએ કહ્યું કે સામાન્ય રીતે આવા પ્રસંગે લગાવાતા પોસ્ટર-બેનરોમાં નિમંત્રક કે આમંત્રિત સંસ્થા કે સરકાર કે એજન્સીનું નામ જોવા મળે છે. પરંતુ દુનિયાના સૌથી પાવરફુલ દેશ અમેરિકાના સુપરપાવર સમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ગુજરાત આવતા હોય ત્યારે તેઓ કોના આમંત્રણથી પધારી રહ્યાં છે તેનું નામ જાણવામાં લોકોને રસ હોય. પોસ્ટર બેનરોમાં નિમંત્રકનું નામ નહીં હોવાથી સવાલ એ થઇ રહ્યો છે કે આવડા મોટા દેશના રાષ્ટ્રપતિ કોના કહેવાથી આવી રહ્યાં છે. દેખીતી રીતે જ ભારત સરકારનું નામ આપવામાં આવી શકે. પરંતુ પોસ્ટરોમાં ક્યાંય પણ કોઇ સરકારનું નામ નથી કે કોઇ સંસ્થા કે સેવાભાવિ સમિતિ વગેરે. કોઇનું નામ દર્શાવવામાં આવ્યું નથી. અને તે કોઇ ભૂલ છે કે જાણીજોઇને નામ ટાળવામાં આવ્યું છે તેની પણ ચર્ચા છે.
સૂત્રોએ કહ્યું કે કેટલાક પોસ્ટરો-બેનરોમાં અંગ્રેજીમાં બે જણાંની દોસ્તીને મજબૂત કરવાનો ઉલ્લેખ છે. ફોટામાં ભારત કે અમેરિકાનો નકશો નથી. માત્ર બે મહાનુભાવોના ફોટા છે ત્યારે તેઓ પોતાની દોસ્તીને મજબૂત કરવા માટે કાર્યક્રમ યોજી રહ્યાં છે કે કેમ…? એવો સવાલ પણ પૂછાઇ રહ્યો છે.

Share Now