NCERTના પાઠ્ય પુસ્તકોમાં હિન્દુ ધર્મની બૂરાઈ? સોશિયલ મીડિયા પર ફરી છેડાયો વિવાદ

11

નવી દિલ્હી,તા.14 ઓક્ટોબર 2021,ગુરૂવાર

NCERTના પાઠ્ય પુસ્તકોમાં ખોટો ઈતિહાસ ભણાવાતો હોવાના આરોપ લાગ્યા બાદ ટ્વિટર પર તેને લઈને ફરી એક વખત ચર્ચા છેડાઈ ગઈ છે.ઈતિહાસકાર ડો.વિક્રમ સંપતે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે, હિન્દુઓના ઈતિહાસને NCERTના પાઠ્ય પુસ્તકોમાં દબાવી દેવામાં આવ્યો છે.તેમણે તેના સમર્થનમાં સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ ઉદાહરણો આપ્યા હતા. એ પછી બીજા યુઝર્સ દ્વારા પણ પાઠ્ય પુસ્તકોમાં આ પ્રકારના કિસ્સાઓના સ્ક્રીન શોટ વાયરલ કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ NCERTના પાઠ્ય પુસ્તકો પર સવાલ ઉઠેલા છે.

ઈતિહાસકાર ડો.સંપતનુ કહેવુ છે કે, NCERTના પાઠ્ય પુસ્તકોમાં ચોલા સામ્રાજ્ય માટે માત્ર 3 પાના ફાળવાયા છે.દિલ્હી સલ્તનત માટે એક આખુ ચેપ્ટર છે.ચોથુ પ્રકરણ આખુ મોગલ સામ્રાજ્ય માટે છે. ચેપ્ટર પાંચમાં પણ મુસ્લિમ શાસકો દ્વારા બનાવાયેલી ઈમારતોને જ પ્રાધાન્ય અપાયુ છે.આસામના અહોમ શાસકોનુ મોગલોના હાથે થયેલી હારનો ઉલ્લેખ છે પણ એ પછી થયેલી સરાયઘાટ લડાઈનો ઉલ્લેખ નથી.તેમણે કહ્યુ હતુ કે, ભક્તિ અને સૂફી આંદોલન અંગે પણ NCERTના પાઠ્ય પુસ્તકોમાં વિવાદાસ્પદ જાણકારી અપાઈ છે.આવા એક પુસ્તકના પેજ પર હિન્દુ ધર્મ ખરાબ હોવાનુ અને એક ધર્મ વિશેષને તેની સામે સારો દેખાડવામાં આવ્યો છે.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ વિવાદ સર્જાયો હતો. NCERTના ધો.12ના એક પુસ્તકમાં કહેવાયુ હતુ કે, શાહજહાં અને ઔરંગઝેબના શાસનમાં તુટેલા મંદિરોમાં નિર્માણમાં મદદ કરાઈ હતી.આ મામલે જયપુરની એક કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.

Share Now