એસટી વોલ્વો ભાડે રાખી સરકારે છેલ્લા ૨ વર્ષમાં ૭૯ કરોડ ચૂકવ્યાં

162

ગાંધીનગર,તા.૨૬
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કાગથરાએ પ્રશ્નોત્તરીમાં સવાલ કર્યો હતો કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે વોલ્વો અને એ.સી. બસ ભાડે લેવા માટે એજન્સીઓને કેટલા રૂપિયા ચૂકવે છે. જેમાં છેલ્લા ૨ વર્ષમાં સરકારે કુલ ૭૯ કરોડ રૂપિયાનું ભાડું ચુકવ્યું છે. સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, એ.સી. બસ અને વોલ્વો માટે રાજ્ય સરકારે ૫ જેટલી એજન્સીઓ સાથે કરાર કર્યા છે. જેમાં કોન્ડુસ્કર ટ્રાવેલ્સ, સાંઈ ટ્રાવેલસ, મોર્ડન ટ્રાવેલ્સ, ચાર્ટડ સ્પીડ, અને આદિનાથ બલ્ક સાથે વિશેષ કરાર કરવામાં આવ્યાં છે. જેમાં સરકાર દ્વારા કિલોમીટર દીઠ અલગ અલગ ભાડાની ચૂકવણી કરવામાં આવી છે.
આમ, રાજ્ય સરકાર દ્વારા કુલ ૫ એજન્સીઓ પાસેથી ૨૨૧થી વધુ વોલ્વો અને એસ.સિમ વોલ્વો બસ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે ફક્ત ૨ વર્ષમાં ૭૯ કરોડ ભાડા પેટે ચૂકવ્યા છે. જ્યારે ૧ જાન્યુઆરી ૨૦૧૮થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં સરકારે નવી બસો લેવા માટે ૨૪૨.૦૩ કરોડ અને વર્ષ ૨૦૧૯માં ૧૧૦.૩૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. જેમાં વર્ષ ૨૦૧૮માં ૨૧૧૯ અને વર્ષ ૨૦૧૯માં ૧૬૯૦ બસો ખરીદીવામાં આવી છે, પંરતુ તે મુજબ જોઈએ તો એક પણ સરકારી એ.સી. બસો કે વોલ્વો બસોની ખરીદી કરવામાં ન આવી હોવાનું પણ સામે આવ્યું છે.

Share Now