ઓવરટેક કરવા બાબતે યુવકને ઢોર માર મારતા મોત, એકની ધરપકડ

591

વડોદરા,તા.૨૪
પાણીગેટ વિસ્તારના કલાદર્શન ચાર રસ્તા પાસે રવિવારે મોડી સાંજે ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા ઈકો કારમાં સવાર ચારથી પાંચ વ્યક્તિઓએ ખાનગી કંપનીમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવતા બાઈક સવાર યુવકને મુઢમાર મારતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ કેસમાં પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે અને જ્યાં સુધી પોલીસ જ્યાં સુધી લેખિતમાં બાંહેધારી નહીં આપે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇક્નાર કર્યો હતો. જોકે પાણીગેટ પીઆઇએ ખાત્રી આપતા મૃતદેહ સ્વીકાર્યો હતો. કેવલ જાધવની પત્ની મિત્તલ અને માતા હંસાબેન કાંતિબેન જાદવે જણાવ્યું હતું કે, અમારી એક જ માંગણી છે કે, કેવલને ન્યાય મળવો જોઇએ અને ગુંડાતત્વોને કડકમાં કડક સજા થવી જોઇએ.
વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતો કેવલ જાધવ(૩૨) રવિવારે સાંજે આશરે સાડા પાંચ વાગે ડી માર્ટમાં ખરીદી કરવા માટે નીકળ્યો હતો. તે જ્યારે કલાદર્શન ચાર રસ્તા પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ઈકો કારના ઓવરટેક મામલે યુવકનો ઈકો કારમાં સવાર ચારથી પાંચ વ્યક્તિઓ સાથે ઝઘડો થયો હતો. જેમાં ઈકો કારમાં સવાર વ્યક્તિઓએ કેવલને મૂઢ માર મારતા તે રસ્તા પર જ ઢળી પડયો હતો. જ્યારે પોલીસની પીસીઆર વાન પહોંચે તે પહેલા આરોપીઓ ઈકો કાર લઈને ભાગી ગયા હતા. બીજી તરફ કેવલને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે ઈકો કારમાં સવાર ચારથી પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને પોલીસે એક આરોપી સૂરજ ઉર્ફે સૂઇ રમણભાઈ કહારની ધરપકડ કરી છે.

Share Now