RTI નિયમભંગઃ તલાટી, મામલતદાર, PI, TDO સહિત 79ને દંડ

153

– રાજ્ય માહિતી આયોગને પંચાયત વિભાગ સામે સૌથી વધુ RTI અપીલ મળી, 809 ફરિયાદ

ગાંધીનગર

રાજ્ય સરકારના વિવિધ વિભાગો પૈકી રાજ્ય માહિતી આયોગને સૌથી વધુ RTI અપીલ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ સામે મળી છે. જ્યારે RTI અરજદારને યોગ્ય રીતે માહિતી નહીં આપતા કે નિયમોનું પાલન ન કરતા હોય તેમને માહિતી આયોગે વર્ષ દરમિયાન કુલ ૭૯ કેસમાં દંડ ફટકાર્યો છે. જેમાં ૧૬ તલાટી, ૯ મામલતદાર, પાંચ TDO, ૭ ઇન્સ્પેક્ટર, ૧૦ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ૧૨ આચાર્ય વિગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય માહિતી આયોગ તરફથી વર્ષ ૨૦૧૮-૧૯નો વાર્ષિક અહેવાલ વિધાનસભા સમક્ષ મૂકાયો છે. તે મુજબ રાજ્ય માહિતી આયોગને કુલ ૯૬૫૩ અપીલ અને ૮૦૯ ફરિયાદો મળી છે. વર્ષ દરમિયાન આયોગે ૮૧૭૪ અપીલ અને ૮૦૮ ફરિયાદો સાંભળીને નિકાલ કર્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની સામે સૌથી વધુ એટલે કે ૨૦૫૦ અપીલ થઈ છે. તે પછી બીજા નંબરમાં મહેસૂલ વિભાગ ૧૮૭૪ અને શહેરી વિકાસ વિભાગની સામે ૧૧૮૭ અપીલો થઈ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૬ ટકા જેટલી અપીલ ઓછી છે. હાલમાં આયોગમાં ૪૮૦૦ ઉપરાંત કેસ પડતર છે અને 5 કમિશનરની જગ્યા પણ ખાલી છે. જુદા જુદા સત્તા મંડળોએ આપેલી માહિતી અનુસાર રાજ્યમાં એક વર્ષ દરમિયાન ૧.૧૮ લાખ અરજીઓ મળી છે. કેટલાક વિભાગોએ એકપણ અરજી મળી નહીં હોવાનું પણ દર્શાવ્યું છે. વિવિધ વિભાગોને કુલ ૬.૫૫ લાખનો દંડ કરાયો છે.

માહિતી અધિકાર ગુજરાત પહેલના પંક્તિ જોગે દ્વારા આયોગના અહેવાલ ઉપર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, અરજીઓની સંખ્યા ઓછી થવી તે ચિંતાની બાબત છે કારણ કે આ વિભાગોમાં પારદર્શિતા વધી નથી પણ માહિતી નકારવાના કિસ્સાઓ વધ્યા છે. વિભાગો મળેલી અરજીઓને નિયમ મુજબ નોંધતા નથી તેવી પણ આશંકા છે. સામેથી ચાલીને જાહેર કરવાની થતી બાબતોમાં વિભાગોએ કોઇ સુધારો કર્યો નથી. ગાંધીજીની 150મી ઉજવણી નિમિત્તે પંચાયત સ્તરે લગાવેલા બોર્ડ મોટાભાગે ખાલી પડ્યા છે. પંચાયત સ્તરે માહિતી માંગી હોય અને તેમને હુમલાનો ભોગ બનવું પડ્યું હોય તેવા ૫૦થી વધુ કિસ્સાઓ બન્યા છે.

Share Now