નર્મદા જિલ્લામાં ચોવીસ કલાકમાં કોરોના પોઝિટવની સંખ્યા નવ પર પહોચી

150

-બુધવારે બે કેસ સાથે એન્ટ્રી લીધા બાદ ગુરુવારે સવારે નવા સાત કેસ આવ્યા

રાજપીપળા,

વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વભરમાં જેનો ડંકો વાગતો હોય છે તે નર્મદા જિલ્લામાં હજી ચોવીસ કલાક અગાઉ કોરોના વાઇરસ કોવીડ -૧૯એ એન્ટ્રી લીધી હતી.બુધવારે બે કેસ આવ્યાના ચોવીસ કલાકમાં આ પંથકમાં નવા સાત ગુરુવારે આવતાં પોઝિટિવનો આંક નવ પર પહોચી ગયો હતો.

જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ અંગેના સેમ્પલ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાતા,ગઇકાલે રાત્રે બે પોઝિટિવ કેસ મળ્યાં હતા.આજે સવારે બીજા વધુ સાત કેસોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જિલ્લામાં અત્યાર સુધી કુલ નવ પોઝિટીવ કેસ થયાં છે. આજે આ તમામ નવ પોઝિટિવ કેસોના દરદીઓને રાજપીપલાના કોવીડ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કર્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલુ કરી દીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે ૯ કેસ પોઝિટિવ આવ્યાં છે એ પૈકીના ૬ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને અન્ય ૩ કોન્ટેક્ટથી થયાં હોય તેવું જણાય છે. તેમની ડિટેઇલ અને કોન્ટેક્ટ પર્સનની ડિટેલ કાઢવામાં આવી રહી છે,જે અનુસંધાને જે તેમના કોન્ટેક્ટમાં હશે તેમના પણ સેમ્પલ લઇને મોકલી દેવામાં આવશે અને જે જગ્યાએથી પોઝિટિવ કેસ મળ્યા છે તે ગામ અથવા વોર્ડને સીલ કરી દેવામાં આવશે અને ત્યાં સઘન ચેકીંગ કરીને જો કોઇ સિમ્ટોમેટીક હશે તો તેમનું સેમ્પલ લઇ લેવામાં આવશે.

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને “ઘરમાં જ રહો- સુરક્ષિત રહો” તેમજ ઘરની બહાર ન નીકળવાની સાથોસાથ લોકડાઉન સંદર્ભ જે પણ આદેશો થયાં છે,તેનું ચુસ્તપણે પાલન કરવાની જિલ્લા કલેક્ટરએ ભાર પૂર્વકની જાહેર અપીલ કરી છે.

કોરોના વાયરસના ગઇકાલે જિલ્લામાં નોંધાયેલા ૨ પોઝિટિવ કેસોમાં ૧ કેસ દેડીયાપાડા તાલુકાના ડુમખલ અને બીજો કેસ ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામનો સમાવેશ થાય છે,જ્યારે આજે તા.૧૬ મી એપ્રિલ,૨૦૨૦ ના રોજ સવારે જિલ્લામાં નોંધાયેલાં વધુ ૭ પોઝિટિવ કેસો પૈકી દેડીયાપાડા તાલુકાના ભુતવેડા ગામનો ૧ કેસ અને ભાઇડી ગામનો ૧ કેસ,નાંદોદ તાલુકાના ૨ કેસોમાં કુંવરપુરા ગામનો ૧ કેસ અને વાઘેથા ગામનો ૧ કેસ તેમજ સાગબારા તાલુકાના સેંલબા ગામનો ૧ કેસ જ્યારે રાજપીપલા શહેરના ૨ કેસોમાં રાજપુત ફળીયાનો ૧ કેસ અને કોલીવાડાના ૧ કેસનો સમાવેશ થાય છે.

Share Now