સુરત જિલ્લામાંથી મજૂરોનું પલાયન હજી પણ યથાવત

132

– સાંસદ પ્રભુ વસાવાની જાહેરાત બાદ મોટી સંખ્યામાં બારડોલી તરફ મજુરો પગપાળા ચાલતા આવી પહોંચ્યા સંકલનના અભાવે મજૂરો સૂડી વચ્ચે સોપારી વહીવટી તંત્રે ફરી તમામને ટેમ્પોમાં ભરી કડોદરા તરફ મોકલ્યા

બારડોલી : સુરત જિલ્લામાંથી મજૂરોની પલાયન હજી પણ ચાલુ જ રહ્યું છે.બારડોલીના સાંસદ પ્રભુ વસાવા દ્વારા ફરતા કરાયેલા પત્ર બાદ લોકો મોટી સંખ્યામાં બારડોલી તરફ આવી રહ્યા છે.પરંતુ અહીંથી મજૂરોને પરત ટેમ્પોમાં બેસાડી કડોદરા તરફ મોકલી દેવામાં આવી રહ્યા છે.આથી મજૂરોમાં અસમંજસની સ્થિતિ પેદા થઈ છે.

એક તરફ નવસારીના સાંસદ સી.આર.પાટિલ મજૂરોને વતન મોકલવા માટે આયોજન પૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા કે ભાજપના કોઈ નેતા મિલ મજૂરો કે શેરડી કાપતા મજૂરોની વ્હારે જોવા મળતા નથી.સાંસદ પ્રભુ વસાવા માત્ર માંડવી અને તાપી જિલ્લામાં સિવાયના વિસ્તારોમાં દેખા દેતાં જ ન હોય લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.પરપ્રાંતીય મજૂરો લોકડાઉન થયું ત્યારથી જ વતન જવા માટે ઉતાવળા બન્યા છે.કેટલાક મજૂરોએ તો શરૂઆતમાં પગપાળા જ વતન તરફ રવાના થઈ ગયા હતા.પરંતુ ત્યારબાદ વહીવટી તંત્રે મજૂરોના પલાયનને રોકી પરત તેમની કામની જગ્યાએ મોકલી આપ્યા હતા.હવે જ્યારે કેટલીક રાજ્ય સરકારો દ્વારા મજૂરોને પોતાના વતન આવવા માટેની પરવાનગી આપી છે.આથી હવે રાજ્યમાં નવસારીના સાંસદ સી.આર.પાટિલ દ્વારા મજૂરોને પોતાના વતન મોકલવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કલેક્ટરની મંજૂરી બાદ તેઓને વાહન મારફતે જવાની છૂટ આપવામાં આવી છે.એવી જ રીતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ પણ કલેક્ટરની મંજૂરી મેળવી બારડોલી આર.ટી.ઑને ઇમેલથી જાણ કરવાથી મજૂરોને વતન જવાની પરવાનગી મળી જશે એવા લખાણ સાથે સોશિયલ મીડિયા ફરતું કર્યું હતું જેને કારણે ઘણા મજૂરો બારડોલી તરફ પગપાળા આવવા લાગ્યા હતા.મજૂરોનું પલાયન વધતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચાલતા જતાં તમામ મજૂરોને એક વાહન મારફતે કડોદરા તરફ મોકલી આપવામાં આવ્યા હતા.બારડોલી સાંસદ દ્વારા કરવામાં આવેલ જાહેરાતથી મજૂરો પણ અસમંજશની સ્થિતિમાં મુકાયા છે.મંગળવારે મોટી સંખ્યામાં મજૂરો પગપાળા વતન તરફ જતાં જોવા મળ્યા હતા.અધિકરીઓ અને પ્રજાના પ્રતિનિધિઓમાં સંકલનના અભાવે મજૂરો સૂડી વચ્ચે સોપારી બની રહ્યા છે.ત્યારે બારડોલીના સાંસદ માંડવીથી બહાર નીકળી જિલ્લાની સાચી પરિસ્થિતીથી વાકેફ થાય તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

Share Now