પટેલ V/S પાટીલ : સી. આર. પાટીલ ખોડલધામની મુલાકાત કરશે, પાટીદારોને મનાવવાની કવાયત

167

ગાંધીનગર : નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જિલ્લાઓના પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે.વલસાડ અને ડાંગ ની મુલાકાત કર્યા બાદ 21મી ઓગસ્ટે પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે જશે.ત્રણ દિવસનો પાટીલનો આ પ્રવાસ મહત્વનો એટલા માટે છે કેમકે પાટીલ ખોડલધામ દર્શન કરવા જવાના છે. જ્યારથી સી.આર.પાટીલની નિમણૂક થઈ ત્યારથી પાટીદાર જૂથનું વર્ચસ્વ પ્રદેશ ભાજપ માંથી નાબૂદ થયાની લાગણી ભાજપના કાર્યકર્તાઓ અનુભવી રહ્યા છે.દક્ષિણ ગુજરાતમાંથી આવનાર સી.આર.પાટીલની નિમણૂકથી પ્રદેશ ભાજપમાંથી પાટીદારની સાથે સાથે જ સૌરાષ્ટ્રનું પ્રભુત્વ પણ નાબૂદ થઈ ગયું છે.

બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક આપી પટેલ વર્સીસ પાટીલ નું રાજકારણ ઉભું કર્યું છે.જોકે પાટીલ ની નિમણૂક પહેલા જ કોંગ્રેસે હાર્દિક પટેલની નિમણૂક નો દાવ ખેલતાં ભાજપના મોવડી મંડળે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલની પસંદગી કરી છે. હવે જ્યારે પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ખોડલધામ ની મુલાકાત લેવાના છે ત્યારે આ મુલાકાત ગુજરાતના રાજકારણના સમીકરણોમાં ચોક્કસપણે બદલાવ લાવશે તેવુ લાગી રહ્યું છે.પાટીદારો મુખ્યત્વે ભાજપના કમિટેડ મતદાર ગણાય છે પણ પાટીલની નિમણૂકથી ગુજરાતના રાજકારણમાં રહેલો પાટીદારો અને સૌરાષ્ટ્રના રાજકારણીઓનો દબદબો ઘટયો છે. આવા સંજોગોમાં પાટીલની ખોડલધામની મુલાકાત ભાજપના આંતરિક અસંતોષને ઠારવામાં પણ મહત્વની બની રહેશે તેમ લાગી રહ્યું છે.

સી.આર. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા ત્યારે ભાજપના જ કેટલાક લોકો ચર્ચા કરતા હતા કે સુરત અને નવસારી થી બહાર નહીં નીકળેલા પાટીલ ગુજરાત કેવી રીતે સંભાળશે? જોકે રાજ્યમાં પોતાના મત વિસ્તાર ની બહાર નહિ નીકળેલા પાટીલને ગુજરાત બહાર દિલ્હી,બિહાર અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી તેમજ છેલ્લે 2019 લોકસભા ચૂંટણીમાં વારાણસી મત ક્ષેત્રની જવાબદારી સોપાયેલી. મોદીના કોર ગ્રુપમાં લાંબા ગાળાના આયોજનોને પાર પાડનાર પાટીલ મુત્સદ્દી છે.તેઓ સારી પેઠે જાણે છે કે ગુજરાતમાં ગાદી પર ટકી રહેવા માટે ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં પાયો મજબૂત કરવો જરૂરી છે અને એટલા માટેજ વિરોધીઓમા થઈ રહેલા ગણગણાટને બંધ કરાવવા તેમણે સૌપ્રથમ લાંબો પ્રવાસ સૌરાષ્ટ્રનો જ ગોઠવ્યો છે.સોમનાથ દાદાના આશીર્વાદથી શરૂ થનારો પાટીલનો આ પ્રવાસ તેમને કેટલે અંશે ફળે છે તે તો સમય જ કહેશે.

Share Now