ગાંધીનગર : ગુજરાત ભાજપે ફેસબૂક,ટ્વિટર,વોટ્સએપ, ઈન્સ્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં પોતાના વિચારો સહિતના મેસેજિસ ફેલાવવા,વિપક્ષ કોંગ્રેસ કે ભાજપની સરકાર સામે ઊઠતા અવાજ સામે પોતાનો અવાજ બુલંદ કરવા યુવાનોની ભરતી શરૂ કરી છે.
વર્ષ ૨૦૦૯ પહેલાથી ગુજરાત ભાજપનું IT સેલ દેશભરમાં મજબૂત રહ્યું છે.જો કે,પાટીદાર અનામત આંદોલન અને સાંપ્રત સમયે કોરોના મહામારી દરમિયાન આ IT સેલની યુવાનોની એક આખી પેઢી આખો દિવસ ભાજપના મેસેજિસ ફોરવર્ડ, લાઈક કરવાની વૃત્તિ મૂકીને પેટ ભરવા માટે કામધંધે લાગી ગઈ છે.આથી,IT સેલે નવા યુવાનોને જોડવા સ્કિલ એક્સ્પર્ટ નોન પોલિટિકલ ગ્રૂપમાં ગૂગલ લિંક સાથે કોલેજિયનોને આમંત્રણો આપવાનું શરૂ કર્યું છે. ભારતમાં અફવાહો,અસત્ય અને અર્ધસત્યથી લઈને તદ્દન ઉપજાવી કાઢેલા તથ્યોથી રાજકીય પાર્ટીઓએ સોશિયલ નેટવર્કથી કેવા કેવા કેમ્પઈન ચલાવ્યા છે એ હવે કોઈથી છાનું રહ્યું નથી.
કોરોનામાં સગાસંબંધીને દાખલ કરવા મદદ ન મળી
સુરત,અમદાવાદ,રાજકોટ જેવા અનેક શહેરોમાં ભાજપમાં વર્ષોથી IT સેલમાંથી આવતા મેસેજિસ ફોરવર્ડ કરતા,લાઈક, રિ-ટ્વિટ કરતા અનેક યુવાનોને કોરોનાના કપરાકાળમાં પોતાના માતા-પિતા,સગાસંબંધીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવા વખતે ઉપરી હોદ્દેદારોને ફોન કર્યા ત્યારે જ કોઈ જ મદદ મળી નહોતી.ફેસબૂક, ટ્વિટર ઉપર અનેક ભાજપના સોશિયલ મીડિયા વોરિયર્સ તરીકે કામ કરનારા યુવાનોએ પોતાની વ્યથા ઠાલવી છે.