‘ખીચડી’ ફેમ હિમાંશુ ઉર્ફે જે.ડી.મજેઠિયાની કટારલેખક પરખ ભટ્ટ સાથે વિશેષ વાતચીત

100

– પ્રાણ જાએ પર વચન ન જાએ : સિધ્ધાંતો માટે પોતાનાં સંતાનોને પણ ત્યાગી દે એવાં છે મારા પિતા!

આજથી લગભગ ૧૮ વર્ષ પહેલા ૨૦૦૨માં સ્ટાર ચેનલ પર આવતી હિન્દી સીરિયલ ‘ખીચડી’એ સફળતાનાં તમામ રેકોર્ડ્સ તોડી નાંખ્યા હતાં.૨૦૦૪માં ‘ઈન્સ્ટન્ટ ખીચડી’ અને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ અને બાદમાં ‘બા,બહુ ઔર બેબી(૨૦૦૫)’ જેવી પુષ્કળ ધમાકેદાર-સુપરહિટ કોમેડી સીરિયલો આપ્યા બાદ આપણાં લોકલાડીલા કલાકાર જેડી મજેઠિયાએ ૨૦૧૦માં ‘ખીચડી-ધ મુવી’ પ્રોડ્યુસ કરી, જેણે બોક્સઓફિસ પર પણ સારો દેખાવ કર્યો હતો.૨૦૦૫થી ૨૦૧૦ સુધી ભારતનાં ઘરેઘરમાં જોવાયેલ ‘બા,બહુ ઔર બેબી’ હાલમાં અમેરિકામાં પણ ટેલિકાસ્ટ થઈ રહી છે.ઉપરાંત,સારાભાઈ વર્સિસ સારાભાઈ સીરિયલની બીજી સિઝન ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ-ટેક ટુ’ પણ ધૂમ મચાવી રહી છે.દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા તરીકે જેડી મજેઠિયા સાથે કદાચ તમે ઘણી વખત રૂબરૂ થઈ ચૂક્યા હશો પરંતુ આજે આપણે શ્રી નાગરદાસ મજેઠિયાનાં પુત્ર જમનાદાસ(જેડી) મજેઠિયા તેમજ બે દીકરીઓનાં પિતા એવાં એક અદ્ભુત વ્યક્તિત્વની મુલાકાત લઈશું.

જેડી મજેઠિયાનાં પિતા નાગરદાસ મજેઠિયા હાલ ૯૦ વર્ષનાં છે.મુંબઈમાં જન્મીને મોટા થયેલ જેડી મજેઠિયા પાંચ ભાઈ-બહેનો સહિત છઠ્ઠું સંતાન.પહેલાંના જમાનામાં છ-છ બાળકોને ભણાવી-ગણાવીને મોટા કરવા એ જ બહુ મોટી વાત હતી. શ્રી નાગરદાસ મજેઠિયાએ પોતાની ફરજ બખૂબી નિભાવી. મુંબઈમાં આજે દરેકનાં પોતપોતાનાં ઘરો છે.પોતાનાં બાળપણ વિશે વાત કરતા જેડી મજેઠિયા જણાવે છે કે – મારા મોટા ભાઈનાં પત્ની જામખંભાળિયાનાં છે એટલે રાજકોટ,જામનગર સાથેનો અમારો નાતો ખૂબ જૂનો છે. એ સમયમાં મારા પિતા મુંબઈની એક કોલેજમાં બુકસ્ટોલ ચલાવતાં.દરરોજ સવારે ભાખરી,રોટલી,અથાણુંનો પાક્કો નાસ્તો કરી ટીફિન લઈને તેઓ નીકળી પડતાં અને છેક રાતે દસ-અગિયાર વાગ્યે પાછા ફરતા.તેમનાં જીવનમાં સિધ્ધાંત,નીતિ-મત્તા અને પ્રામાણિકતા ખૂબ અગત્યની હતી. હું પોતે મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છું છતાં આજે મને તેમનાં ગણતરમાંથી જેટલું શીખવા મળ્યું છે એટલું ભણતરે ક્યારેય નથી શીખવ્યું.નાનપણથી અમને બધાંને તેમની એક જ સલાહ કે ક્યારેય કોઈનો રૂપિયો બાકી રાખવો નહી. સ્વમાનથી જીવાય એટલું જીવવું.બાકી ચાદર હોય એટલી જ સોડ તાણવી.ગમે તેવી આર્થિક તંગીવાળી પરિસ્થિતિમાં પણ મારા પિતાએ અમને સ્વમાનભેર જીવતાં શીખવાડ્યું છે.

નાના હતા ત્યારે અમે બધાં સંયુક્ત રીતે ૩૫૦ સ્ક્વેર ફિટનાં સિંગલ રૂમ-કિચનવાળા નાનકડા ઘરમાં રહેતાં. એક વખત મને મારા ભાઈઓનાં શર્ટ-પેન્ટનાં ખિસ્સામાંથી પૈસા ચોરવાની આદત પડી ગયેલી. થોડાંક દિવસો સુધી તો વાંધો ન આવ્યો પણ એક દિવસ મારી મા મને આ પરાક્રમ કરતા જોઈ ગઈ.એ વખતે તો તેણે કશું જ ન કહ્યું.પરંતુ થોડા સમય બાદ મારા પિતા મને સામા મળ્યાં અને ખભા પર હાથ રાખીને પૂછ્યું કે-તને કઈ વસ્તુની કમી છે? તને જો કંઈ પણ ખૂટતું હોય તો હું હજુ વધારે મહેનત કરીશ,બમણા કલાલો કામ કરીને વધુ રૂપિયા કમાઈશ.અને બસ! એ ચોરી મારી જીંદગીની છેલ્લી ચોરી બનીને રહી ગઈ.

મારા પિતાને મેં જબાન આપેલી કે ક્યારેય એમની મરજી વિરૂધ્ધ લગ્ન નહી કરું છતાંય તેમનાથી મારા પ્રેમ વિશેની વાત છુપાવી મેં લવ-મેરેજ કર્યા. અલબત્ત, તેમને મારા પ્રેમ સાથે વાંધો નહોતો પરંતુ તેમનાં વારંવાર પૂછવા છતાંય મેં સત્ય ન ઉચ્ચાર્યુ એ વાતે નારાજ થઈને તેમણે મારી સાથે દસ વર્ષ સુધી વાત ન કરી. ૨૦૦૫માં આવેલી ‘બા,બહુ ઔર બેબી’ સીરિયલનો એક ટ્રેક પણ મારા જીવનમાં બનેલી આ ઘટના પરથી પ્રેરિત હતો.

આજે મારે સંતાનમાં બે દીકરીઓ છે-કેસર અને મિસરી! કેસરને બારમુ ધોરણ પાસ કર્યા બાદ યુએસ જઈને આગળ ભણવાની ધગશ છે. મિસરી હાલ પોતાનું બાળપણ માણી રહી છે. હું મારા સંતાનો માટે એક સારો પિતા જરૂર પુરવાર થયો છું પરંતુ મારા પિતા જેવો તો દૂર-દૂર સુધી નથી બની શક્યો.તેમણે મને ક્યારેય કશું કરવા માટે રોક્યો નથી. તેમનું માનવું હતું કે સ્વતંત્રતાની સાથે જવાબદારીઓ પણ આવે જ છે.જો આપણે જવાબદારી ઉઠાવવા તૈયાર હોય તો કોઈ પણ નિર્ણયો લેવા માટે પણ સક્ષમ છીએ.

આજની તારીખે મારા પિતાનાં નખમાંય રોગ નથી. છેલ્લાં ૫૫-૬૦ વર્ષથી તેમણે બહારનું ખાવાનું છોડી દીધું છે.મુંબઈની પ્રદૂષિત હવામાં રહ્યાં હોવા છતાં તેમની પાસે આયુર્વેદનું જે જ્ઞાન હતું તે આધાર પર તેઓ પોતાની જાતને આટલી તંદુરસ્ત રાખી શક્યાં છે.

જીવનમાં મેં ઘણી ભૂલો કરી છે અને તેનાં સારા-માઠાં પરિણામો પણ મેં જ ભોગવ્યા છે.ભૂલ થકી જ માણસ જીવનમાં કંઈક શીખી શકે છે.નાનકડી અમથી ભૂલને કારણે સંતાનને પોતાનાથી દૂર કરી દેવા એ બિલકુલ યોગ્ય નથી.આજનાં બાળકોને પણ મારી એ જ સલાહ છે કે તમારે પિતા પાસે કશું છુપાવવાની જરૂર નથી કારણકે જીવનનાં સૌથી મોટા શુભેચ્છક તમારા પિતા જ છે.

આજનાં ઈન્ટરવ્યુ બાદ હું એટલું જ કહી શકીશ કે પિતા અને પુત્ર વચ્ચેનાં દસ-દસ વર્ષનાં અબોલા બાદ પણ એટલાં જ માધુર્ય અને લાગણી સાથે બંને વચ્ચેનાં સંબંધને ફરી જીવિત કરવો એ ખરેખર કઠિન કામ છે.

Share Now