માનવી ગાગરુએ કાસ્ટિંગ કાઉચનો પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે તેને એક વેબ-સિરીઝ કૉમ્પ્રોમાઇઝ કરવાની શરતે ઑફર કરવામાં આવી હતી. આ એક વર્ષ પહેલાંની ઘટના છે જ્યારે #MeeToo મૂવમેન્ટ ખૂબ ચગી હતી. એમાં અનેક મહિલાઓએ આગળ આવીને પોતાના કડવા અનુભવ વર્ણવ્યા હતા. પોતાની સાથે થયેલા અનુભવ વિશે માનવીએ કહ્યું હતું કે ‘એક વર્ષ પહેલાં મને એક અજાણ્યા નંબરથી પ્રોડ્યુસરનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે અમે વેબ-સિરીઝ બનાવી રહ્યા છીએ અને અમે તમને એમાં કાસ્ટ કરવા માગીએ છીએ. તેમણે મને બજેટ જણાવ્યું અને મેં કહ્યું હતું કે ના, આ બજેટ ખૂબ ઓછું છે અને આપણે પહેલાં બજેટની ચર્ચા શું કામ કરી રહ્યા છીએ, મને સ્ક્રિપ્ટ જણાવો. ત્યાર બાદ જ જો મને ઇન્ટરેસ્ટ હશે તો હું હા કહીશ. બાદમાં આપણે પૈસા, ડેટ્સ અને બીજા વિષય પર ચર્ચા કરીશું. ત્યાર બાદ તેણે કહ્યું કે અમે બધા લોકો સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે તેમને આ બજેટ પરવડે છે કે નહીં. મેં જ્યારે તેને કહ્યું કે બજેટ ઓછું છે તો તેણે તરત જ બજેટ ટ્રિપલ કરી દીધું હતું.
તેણે કહ્યું કે હું તમને આટલા જ આપી શકું છું. જોકે તમારે કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. સાત-આઠ વર્ષ બાદ મેં કૉમ્પ્રોમાઇઝ શબ્દ સાંભળ્યો હતો. મને જાણ નથી કે અચાનક મને શું થયું, હું તેને ગાળો બોલવા લાગી.
મેં તેને કહ્યું કે તારી હિમ્મત કેમ થઈ? હું પોલીસમાં તારી ફરિયાદ કરવાની છું. હું ખરેખર પાગલ બની ગઈ હતી. #MeeTooના ગાળામાં પણ આવી ઘટનાઓ ઘટતી હોવાથી હું ખૂબ ચોંકી ઊઠી હતી.’