ચૂંટણીનો ચક્રવ્યૂહ:ભાજપ શોધે છે કૉંગ્રેસના પેરાશૂટ,જીતી શકે તેવા ઉમેદવારને પક્ષમાં લાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવાની વ્યૂહરચના

135

રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જીતવા માટે ભાજપ અત્યારથી જ તનતોડ મહેનત કરી રહ્યો છે,ખાસ કરીને કોંગ્રેસના જીતી શકે તેવા ચહેરાની શોધ ભાજપે શરૂ કરી દીધી છે,કેમ કે 2015ની ચૂંટણીમાં ભાજપ માટે જીત મુશ્કેલ હતી.પંચાયત અને પાલિકામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસને વધુ બેઠકો મળી હતી,તેથી ભાજપે હવે કૉંગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે સંપર્ક વધારી દીધો છે.

કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ ભાજપ તરફ વળ્યા
ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસ ફરી એકવાર તૂટવાના એંધાણ છે.કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ ભાજપ તરફ વળી રહ્યા છે અને ટિકિટ માટેની ગોઠવણ પણ કરી રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસના જે સભ્યો ચૂંટણી જીતી શકે છે તેઓ થોડા સમયમાં ભાજપમાં જોવા મળી શકે છે

ગુજરાતમાં નરેન્દ્ર મોદીને ગાળો આપવાથી કોંગ્રેસને હંમેશાં નુકસાન થયું
કોંગ્રેસના એક પ્રદેશ નેતાએ પક્ષની ખામીઓ અંગે કહ્યું હતું કે ગુજરાતનો રાજકીય ઇતિહાસ છે કે નરેન્દ્ર મોદીનું કદ જો મોટું થયું હોય તો તેમને મળેલી નેગેટિવ પબ્લિસિટી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીને ગાળો આપવાથી કોંગ્રેસને હંમેશાં નુકસાન જ થયું છે છતાં પ્રદેશના નેતાઓની આંખ ખૂલતી નથી.કોંગ્રેસે મોદીને 2002થી 2017 સુધીની વિધાનસભા તેમજ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ગાળો આપવાનું સતત ચાલુ રાખતાં કોંગ્રેસ સાફ થઇ ગઇ છે.કૉંગ્રેસના ભાવિ પ્લાન કે કોંગ્રેસ લોકો માટે શું કરવા માગે છે એની પાર્ટીમાં કોઈ નોંધ સુધ્ધાં લેતું નથી,નેતાઓ પણ વેરવિખેર છે, એટલે બિચારો કાર્યકર કે સમર્થક એકલો શું કરે,એથી જ કોંગ્રેસ હારે છે.

કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સાથેના સંબંધો અને સંપર્ક વધાર્યા
રાજ્યમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ,જેવી કે જિલ્લા અને તાલુકા પંચાયતો,નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સાથેના સંબંધો અને સંપર્કો વધારી દીધા છે.એવી જ રીતે કોંગ્રેસના ચૂંટણી જીતી શકે તેવા વર્તમાન સભ્યોની યાદી ભાજપ બનાવી રહ્યો છે, જેથી ચૂંટણી પહેલાં ટિકિટ વહેંચણી સમયે કોંગ્રેસના સભ્યોને ભાજપમાં ભેળવીને ટિકિટ આપી ચૂંટણી લડાવી શકાય.

Share Now