આવતીકાલે ફાગણી પૂનમ ! ક્યાં સમયે કરશો હોલિકા ની પૂજા અને ઉપવાસ કરવાથી શુ ફળ મળે જાણો શાસ્ત્રી કેયુર ભટ્ટ સાથે

74

હોળી,જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે,તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે.ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે.લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે.જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે.આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે,જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે.

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે,હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે.અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે,જેને ‘બીજો પડવો’,’ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે.આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ,ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં છે.ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે.યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે,જેમકે ઘોડાદોડ,આંધળો પાટો,શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે.ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે.ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે,આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.

હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને “હોળીનાં ફાગ” તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે).આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે.આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે.જે મહદાંશે વ્રજ ભાષામાં હોય છે.

શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે હોળીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો.હોળીના દર્શન કર્યા પછી જમવું.અનેક લોકો હોળીના દિવસે પાણી વાળી ચીજો ખાતા નથી.ધાણી કે દાળિયા – ખજૂર ખાઈને હોળી ભૂખ્યા રહે છે.હોળીના દિવસે અનેક ઘરોમાં સાંજે લાપસી બને છે.આખો દિવસના ઉપવાસ પછી સાંજે હોળીના દર્શન પછી ઉપવાસ છોડવામાં આવે છે.લાપસી,દાળભાત શાક પૂરી ફરસાણનો જમણવાર થાય છે.

હોળિકા પૂજન

હોળિકા દહન માટે જ્યારે પૂજાની થાળી તૈયાર કરો ત્યારે અલગ અલગ વાટકીમાં પૂજન સામગ્રી લેવી.જેમ કે વાટકીમાં કંકુ,અબીલ,ગુલાલ,ધાણી,દાળિયા,ખજૂર,કાચી કેરી,લેવી સાથે નારિયેળ અને પાણીથી ભરેલો લોટો અને દક્ષિણા માટે કેટલાંક પૈસા લેવા.જો ઘરમાં નવવધુનું આગમન થયું હોય કે કોઈ બાળકની પ્રથમ હોળી હોય તો પૂજા સામગ્રીમાં પાંચ ફળ,પાંચ ફૂલ અને મિઠાઈ પણ સામેલ કરવી.નવા વસ્ત્રો પહેરવા.પૂર્ણ શણગાર સજવો.

હોળિકા દહન સ્થળે પહોંચીને સૌ પ્રથમ હોળિકાની પાંચ થી સાત વાર પરિક્રમા કરવી,સાથે સાથે જળ અર્પિત કરતાં જવું.તે પછી હોળીને કંકું,અબીલ,ગુલાબથી વધાવવી.હોળીમાં નારિયેળ અને દક્ષિણા અર્પિત કરવા.સાથે સાથે હોળીમાં ધાણી,દાળિયા અને ખજૂર અર્પણ કરવા.જો અન્ય સામગ્રી હોય તો તે પણ અર્પણ કરવી.આ રીતે હોળિકાને ભોગ ધરાવવો.જેમાંથી બચેલો ભોગ પ્રસાદ તરીકે ગ્રહણ કરવો. આ પૌરાણિક ઘટના સાથે જોડાયેલું પર્વ છે તેથી હોળિકા દહનની વાર્તા સાંભળવી.જેમાં કેવી રીતે ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદનો ઉગારો થયો હતો.હોળિકાની અગ્નિ તેને બાળી શકી નહોતી તે જાણવું.આ દિવસે બુરાઈ પર અચ્છાઈની જીત થઈ હતી.

Share Now