નવી દિલ્હી તા.17 : દેશમાં છૂટક વેપાર પર કબજો જમાવવાને લઈને ઈ-કોમર્સ કંપનીઓ અને નાના વેપારીઓ વચ્ચે જંગ છેડાઈ ગયો છે. ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા ‘સંભવ સંમેલન’ કર્યા બાદ દેશભરનાં નાના વેપારીઓ અને વિક્રેતાઓ ‘અસંભવ સંમેલન’ થી વિરોધ કરી રહ્યા છે.વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની ભેદભાવભરી નીતિઓના વિરોધમાં આ સંમેલન કરવામાં આવી રહ્યુ છે.
બજારમાં ભાગીદારી વધારવાની તૈયારીમાં એમેઝોન : એમેઝોન ભારતના લઘુ તેમજ મધ્યમ ઉપક્રમોને ડીઝીટલ બનાવવામાં મદદ કરવા માટે રૂા.1,873 કરોડ રૂપિયાનાં ભંડોળનું એલાન કર્યુ છે.આ ભંડોળની જાહેરાત પોતાના વર્ચ્યુઅલ સંમેલન સંભવમાં કરી છે.જાણકારો કહે છે કે આ બજાર ભાગીદારી વધારવાની રણનીતી જ રહી છે.
ભેદભાવભર્યા વ્યવહારો સામે વિરોધ : 6 લાખથી વધુ નાના ભારતીય વેપારીઓ, વિતરકો અને વિક્રેતાઓના પ્રતિનિધિઓ અસંભવ સંમેલનની વિદેશી ઈ-કોમર્સના ભેદભાવભર્યા વ્યવહારોની સામે વિરોધ કરી રહયા છે.ઓલ ઈન્ડીયા ઓન લાઈન વેન્ડર્સ એસો.ઓલ ઈન્ડીયા મોબાઈલ રીટલર્સ એસો.અને પ્રહાર મળીને આ સંમેલનનું આયોજન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 18 એપ્રિલ સુધી ચાર દિવસ એમેઝોનનો સંભવ કાર્યક્રમ ભારતમાં ચાલશે. જેમાં 70 વકતા સંભવ સંમેલનથી પોતાના વિચારો નાના વિક્રેતાઓના બારામાં રજુ કરશે.