પલસાણા : પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ આરાધના સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાખરડામાંથી સુરત જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.પોલીસે કુલ 30 હજારનો જથ્થો કબ્જે કરી આ જથ્થો પૂરો પાડનાર એક વ્યક્તિને વોંટેડ જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો જગદીશભાઇ આબાજીભાઇ તથા પો.કો અલ્તાફભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ આરાધના સોસાયટીમાં રહેતા સોનું આહિરે સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાખરડામા વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને આ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાતમીવાળી જગ્યાએથી વિદેશી દારૂની કુલ 240 નંગ બોટલ કિંમત રૂ, 30 હજારના જથ્થા સાથે એક વ્યક્તિ દીપક જનરલભાઈ આહિરે (રહે,આરાધના સોસાયટી, જોળવા, તા-પલસાણા) ને ઝડપી પાડ્યો હતો.અને તેની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો સોનું જનરલ આહિરે (રહે, આરાધના સોસાયટી, જોળવા) એ પૂરો પાડ્યો હોવાનું જણાવતા પોલીસે તેને વોંટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.