– ક્રિપ્ટો કરન્સી બજારમાં સાર્વત્રિક ઝડપી મંદીનો પવન
– ઈથેર – ડોજેકોઈનમાં પણ ગાબડાં : ચીનમાં માઈનર્સ પર દબાણ વધ્યું યુએસ નાણાંનિતી કડક બનાવશે એવા સંકેતોથી બજારમાં ગભરાટ
મુંબઈ : ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે મંદીનો તીવ્ર આંચકો આવતાં બજારમાં 10થી 15 ટકાનો ભાવ કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ટૂંકા ગાળામાં ઝડપથી ગબડતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.નવું બાઈંગ ધીમું પડયું હતું.
ચીનમાં સરકાર દ્વારા ક્રિપ્ટો માઈનર્સ પર દબાણ વધારવામાં આવ્યાના સમાચાર હતા. અમેરિકામાં સરકાર દ્વારા હાલ જે હળવી નાણાંનિતી અનુસરવામાં આવી રહી છે તે હવે પછી કડક બનાવવામાં આવશે એવા નિર્દેશોની પણ બજાર પર નેગેટીવ અસર જોવા મળી હતી તથા બજારમાં ગભરાટભરી વેચવાલી નિકળી હતી.બિટકોઈનના ભાવમાં આજે દસ દિવસનો સૌથી મોટો ભાવ ઘટાડો 10થી 11 ટકાનો નોંધાયો હતો.બિટકોઈનના ભાવ આજે ઉંચામાં 36165થી 36166 ડોલર થયા પછી ઝડપી ગબડી નીચામાં ભાવ 32211થી 32212 ડોલર થઈ 32279થી 32280 ડોલર રહ્યા હતા.
ટ્રેડિંગ વોલ્યુમ 29થી 30 અબજ ડોલરથી વધી આજે 41થી 42 અબજ ડોલર થયું હતું. આમ વધતા વોલ્યુમ સાથે બજાર તૂટતાં વેચવાલીનો મારો વધ્યાના સંકેતે આજે મળ્યા હતા.દરમિયાન,ભાવ ગબડતાં આજે બિટકોઈનનું માર્કેટ કેપ આશરે 70 અબજ ડોલર ઘટી 604થી 605 અબજ ડોલર નોંધાયું હતું.
દરમિયાન,ક્રિપ્ટો એક્સચેન્જોમાંથી બિટકોઈનનો આઉટફલો વધી આજે સાત મહિનાની ટોચે પહોંચ્યો હતો.બિટકોઈનમાં હવે નીચામાં 30 હજાર ડોલર તથા ત્યારબાદ 27 હજાર ડોલરની સપાટી મહત્ત્વની મનાઈ રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. બિટકોઈન સામે અન્ય ક્રિપ્ટો કરન્સીઓ પણ ગબડી હતી.ઈથેરના ભાવ આજ 14થી 15 ટકા તૂટયા હતા.
ઈતેરના ભાવ આજે ઉંચામાં 2794થી 2795 ડોલર થયા પછી નીચામાં 2379થી 2380 ડોલર બોલાઈ રહ્યા હતા.ઈથેરમાં પણ ટ્રેડીંગ વોલ્યુમ 31થી 32 અબજ ડોલરથી વધી 45થી 46 અબજ ડોલર થયું હતું તથા ભાવ ગબડતાં માર્કેટ કેપ 320થી 325 અબજ ડોલરથી ગબડી 300 અબજ ડોલરની અંદર ઉતરી 276થી 277 અબજ ડોલર થઈ ગયું હતું.ડોજેકોઈનના ભાવ આજે 13થી 14 ટકા તૂટયા હતા.
ડોજેકોઈનના ભાવ ઉંચામાં 36થી 37 સેન્ટ રહ્યા પછી નીચામાં ભાવ 31થી 32 સેન્ટ થઈ 32થી 33 સેન્ટ રહ્યા હતા તથા માર્કેટ કેપ 47થી 48 અબજ ડોલરથી ઘટી આજે 41થી 42 અબજ ડોલર થઈ ગયું હતું.ઈથેરમાં ટ્રેડીંગ વોલ્યુમ 4થી 5 અબજ ડોલર નોંધાયું હતું.અમેરિકામાં હવે ગુરૂવારે બહાર પડનારા ફુગાવાના આંકડાઓ પર ક્રિપ્ટો બજારના ખેલાડીઓની નજર રહી હતી.