ફ્રેન્કલિન પર નવી ડેટ સ્કિમો રજૂ કરવા પર બે વર્ષ માટે પ્રતિબંધ

24

મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ(ઈન્ડિયા) પર બે વર્ષ માટે નવી ડેટ સ્કિમો રજૂ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ સાથે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનને રૂ.પાંચ કરોડની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે,જે ૪૫ દિવસમાં ભરપાઈ કરવાની રહેશે.

ફંડ હાઉસને સેબીએ આદેશમાં વધુ જણાવ્યું છે કે છ બંધ કરાયેલી ડેટ સ્કિમોના સંબંધમાં ૪,જૂન ૨૦૧૮ થી ૨૩,એપ્રિલ ૨૦૨૦ સુધીમાં એકત્ર કરાયેલી એડવાઈઝરી ફી વાર્ષિક ૧૨ ટકાના વ્યાજ દર સાથે પરત કરવાની રહેશે.ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયા દ્વાર એડવાઈઝરી ફી તરીકે એકત્ર કરાયેલી રૂ.૫૧૨ કરોડની આ રકમ વાર્ષિક ૧૨ ટકાના વ્યાજ દર સાથે પરત કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડની છ સમેટાયેલી ડેટ સ્કિમોના યુનિટધારકોને રૂ.૩૨૦૫ કરોડની ચૂકવણી ચાર હપ્તામાં સોમવારથી એક સપ્તાહમાં એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ દ્વારા કરવાની શરૂઆત થઈ છે.આ સાથે આ છ સ્કિમોમાં વહીવટ હેઠળની એસેટ(એયુએમ) ના ૭૧ ટકા એટલે કે રૂ.૧૭,૭૭૮ કરોડની કુલ રકમની વહેંચણી થશે.

આ સ્કિમમાં રોકાણકારોને પ્રથમ વહેંચણી ફેબુ્રઆરીમાં રૂ.૯૧૨૨ કરોડની અને બીજી ૧૨,એપ્રિલના સપ્તાહ દરમિયાન રૂ.૨૯૬૨ કરોડની અને ૩,મેના સપ્તાહમાં રૂ.૨૪૮૯ કરોડની કરવામાં આવી છે.

Share Now