સ્વિત્ઝર્લેન્ડને ૩-૦થી હરાવીને ઈટાલીનો યુરો કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ

98

રોમ/બાકુ, તા.૧૭ : ઈટાલીએ ઘરઆંગણે ખેલાયેલા યુરો કપના મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડને ૩-૦થી હરાવીને યુરો કપ ૨૦૨૧ના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશનારી સૌપ્રથમ ટીમ તરીકેનો રેકોર્ડ નોંધાવી દીધો છે.રોબેર્ટો માન્સિનીની ટીમે મેન્યુઅલ લોકાટ્ટેલીના બે અને કાઈરો ઈમ્મોબેલના એક ગોલને સહારે સ્વિત્ઝર્લેન્ડ સામે પ્રભાવશાળી જીત હાંસલ કરી હતી.તેઓ અગાઉ તુર્કી સામે ૩-૦થી વિજેતા બન્યા હતા.

બાકુમાં ખેલાયેલા મુકાબલામાં ગારેથ બેલની આગેવાની હેઠળની વેલ્સની ટીમે ૨-૦થી તુર્કી સામે જીત મેળવતા નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ લગભગ નિશ્ચિત કરી લીધો હતો. સ્ટાર ખેલાડી ગારેથ બેલ જો પેનલ્ટી કીક ચૂક્યો ન હોત તો વેલ્સ આ મેચ ૩-૦થી જીતી શકે તેમ હતુ.સળંગ બે મેચમાં હારનારી તુર્કીની ટીમ નોકઆઉટની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી મનાય છે.નોંધપાત્ર છે કે, વેલ્સે સ્વિત્ઝર્લેન્ડ સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી.

રોમમાં ખેલાયેલા મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડની ટીમ એક પણ ગોલ ફટકારી ન શકતાં ઈટાલીએ સળંગ ૧૦મી મેચમાં એક પણ ગોલ સહન ન કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ઈટાલીએ સળંગ બે મેચમાં ત્રણ-ત્રણ ગોલ ફટકારતાં યુરો કપ માટે દાવેદારી રજુ કરી છે.જોકે તેમના કેપ્ટન ચિલિઈનીને ઈજા થતાં તેણે મેદાન છોડયું હતુ.
વેલ્સ તરફથી આરોન રામસેએ સૌપ્રથમ ગોલ ફટકાર્યો હતો.મેચ દરમિયાન ગારેથ બેલને ગોલ ફટકારવાની પેનલ્ટી સહિતની બે ગોલ્ડન તકો મળી હતી,પણ તે ઝડપી શક્યો નહતો.આખરે ૯૦મી મિનિટ બાદ ઈન્જરી ટાઈમની પાંચમી મિનિટે કોન્નોર રોબર્ટ્સે ગોલ ફટકારીને ટીમને ૨-૦થી નાટકીય વિજય અપાવ્યો હતો.

આજની મેચો

– સ્વિડન વિ. સ્લોવેકિયા સાંજે ૬.૩૦થી

– ક્રોએશિયા વિ. ચેક રિપબ્લિક રાત્રે ૯.૩૦થી

– ઈંગ્લેન્ડ વિ. સ્કોટલેન્ડ મધરાતે ૧૨.૩૦થી

યુક્રેને ૨-૧થી નોર્થ મેસેડોનિયાને હરાવ્યું

યુક્રેને યુરો કપમાં આગેકૂચની આશા જીવંત રાખતાં ૨-૧થી નોર્થ મેસેડોનિયાને હરાવ્યું હતુ.એન્ડ્રીય યાર્મોલેન્કોએ ૨૯મી મિનિટે અને રોમાન યારેમ્ચુકે ૩૪મી મિનિટે ગોલ ફટકારતાં ટીમને હાફ ટાઈમે ૨-૦થી સરસાઈ અપાવી હતી.નોર્થ મેસેડોનિયા તરફથી ૫૭મી મિનિટે અલીઓસ્કીએ ગોલ નોંધાવ્યો હતો પણ તે ટીમની હાર અટકાવી શક્યો નહતો.યુક્રેનને પ્રથમ મેચમાં નેધરલેન્ડે ૩-૨થી હરાવ્યું હતુ.જ્યારે નોર્થ મેસેડોનિયા પ્રથમ મેચમાં ૧-૩થી ઓસ્ટ્રીયા સામે હાર્યું હતુ.

Share Now