રોડ કોન્ટ્રાકટર C.V. Patelની બેદરકારીને કારણે ખોડિયાર નગરના રસ્તા પરથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં રહીશોમાં રોષ

68

બારડોલી : બારડોલી શહેરના ગાંધીરોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં પાણીનો નિકાલ નહીં થતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું.જેને કારણે સોસાયટીના રહીશોને હાલાકી વેઠવી પડી હતી.થોડા સમય પૂર્વે બનેલા ડામર રોડની કામગીરી દરમ્યાન કોન્ટ્રાકટર સી.વી. પટેલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય આ સ્થિતિ સર્જાઈ હોવાનું રહીશોએ જણાવ્યું હતું.જો કે રહીશોએ જાણ કરતા જ બારડોલી નગરપાલિકાના મ્યુનિસિપલ ઈજનેર ગાવીત સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સમસ્યાના ઉકેલની ખાતરી આપી હતી.

બારડોલી નગરપાલિકા અંતર્ગત રોડના કામ કરતાં કેટલીક એજન્સી દ્વારા ડામર પાથરીને પોતાની જવાબદારી પૂર્ણ કરી દેવામાં આવે છે.પરંતુ વરસાદી પાણીના નિકાલ કે ગટર વ્યવસ્થાને લઈને કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી.આથી કોન્ટ્રાકટર પોતાનું કામ પૂર્ણ થતા જ હાથ ઊંચા કરી દેતાં હોય છે.આવી જ સ્થિતિ બારડોલીના ગાંધી રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં જોવા મળી હતી.શનિવારે પડેલા નજીવા વરસાદને કારણે સોસાયટીના મુખ્ય રસ્તા પર પાણીનો નિકાલ નહીં થવાથી એક ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા.જેને કારણે રહીશોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું હતું.સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચૂંટણી પૂર્વે જ બનાવવામાં આવેલા ડામર રોડની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા આવી સ્થિતિ સર્જાય છે.કામ ચાલતું હતું ત્યારે કોન્ટ્રાકટર ચેતન પટેલને સ્થાનિકોએ અનેક વખત પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યુ હતું.પરંતુ અધિકારીઓને ગજવામાં લઈને ફરતા ચેતન પટેલે રહીશોની એક પણ વાત માની ન હતી આથી હવે ચોમાસામાં લોકોને ભોગવવાનું આવ્યું છે.બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બારડોલી નગરપાલિકાના મ્યુનિસિપલ ઇજનેર સુમિત ગાવીત પણ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.ઈજનેર સુમિત ગાવીતે જણાવ્યુ હતું કે, રહીશોએ જાણ કરતાં જ અમે ત્યાં પહોંચ્યા હતા. રોડ લેવલથી ચેમ્બર ઊંચી હોય પાણી નિકાલ થઈ શક્યો ન હતો.સર્વે કરી થોડા જ સમયમાં પાણી નિકાલની વ્યવસ્થા કરી દેવામાં આવશે.

Share Now