શું તમે બુધવારે કરો છો આ ઉપાય ? ગજાનન શ્રીગણેશ કૃપા વરસાવશે અપાર !

52

ગણેશજી એટલે તો સંકટહર્તા દેવ.મંગળકર્તા દેવ.એ દેવ કે જેમને આસ્થા સાથે પૂજવા માત્રથી જીવનના તમામ સંકટોનું શમન થઈ જાય છે.તેમજ જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.સર્વ દેવતામાં ગણેશજી પ્રથમ પૂજનીય છે.અને એટલે જ કોઈપણ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી જ કરવામાં આવે છે. કહે છે કે તેનાથી કોઈપણ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે.પણ, શું તમને ખબર છે કે બુધવારના રોજ કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને તમે ભગવાન ગણેશજીની પરમ કૃપાને પ્રાપ્ત કરી શકો છો ? આવો,આજે કેટલાંક એવાં જ સરળ ઉપાયો વિશે વાત કરીએ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો બુધવારનો દિવસ પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભદાયી મનાય છે.તો, સાથે જ બુધવારે ગણેશજીની આરાધનાનો પણ મહિમા છે.જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે બુધવારના દિવસે અજમાવવાના કેટલાંક ઉપાયોનું વર્ણન મળે છે.કે જેના પ્રયોગથી વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.જો તમે આ દિવસે ભગવાન ગણેશજીની ખાસ પૂજા અર્ચના કરો છો અને સાથે જ કેટલાંક ખાસ ઉપાય અજમાવો છો તો એનાથી ઘણા પ્રકારના લાભની પ્રાપ્તિ થઈ શકે છે.

મનગમતું નૈવેદ્ય

જો આપ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો એના માટે ગણેશજીને ચુરમાના લાડુ પ્રસાદના રૂપમાં અર્પણ કરો.ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તમે બુધવારે ગણેશજીને મગ અને ચુરમાના લાડુનો પ્રસાદ એકસાથે અર્પણ કરો છો તો,તેનાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે.કારણકે આ ભોગ તેમને ખૂબ જ પ્રિય છે.મગ પ્રસાદથી ગણેશજી જીવનના દુ:ખ હરી લે છે. તો, ચુરમા લાડુથી પ્રસન્ન થઈ જીવનને ખુશીઓથી ભરી દે છે.

તિલક કરો

જો તમે ધન,વૈભવની પ્રાપ્તિ કરવા માંગતા હોવ તો બુધવારના દિવસે ગાયના ઘીમાં સિંદૂર ભેળવીને ગણેશજીના મસ્તક પર તેનું તિલક લગાવો.આ સાથે જ સ્વયંના માથા પર પણ તિલક લગાવો.કહે છે કે તેનાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થશે અને ખુશ થઈને તમને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવશે.

દાન પુણ્ય કરો

ધાર્મિક શાસ્ત્રોમાં દાન પુણ્યને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.જો તમે બુધવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સામર્થ્ય અનુસાર કંઈપણ દાન કરો છો તો એનાથી એકદંતની કૃપા પ્રાપ્ત થાય છે.સાથે જ વ્યક્તિના સઘળા મનોરથોની પૂર્તિ પણ થાય છે.

દૂર્વા અર્પિત કરો

જો તમે ધનલાભ પ્રાપ્ત કરવા માંગતા હોવ તો એના માટે બુધવારના દિવસે ગણેશજીને પાંચ દૂર્વા અર્પિત કરવી જોઈએ.તેનાથી ધન લાભ થવાની સાથે બુદ્ધિ અને જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે.એટલું જ નહીં,આ ઉપાયથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.

ઉલ્લેખનિય છે કે આ તમામ ઉપાયો લૌકિક માન્યતાઓ પર આધારિત છે. માન્યતા અનુસાર તેના પ્રયોગથી મંગળકર્તા મંગલમૂર્તિ વ્યક્તિના તમામ દુ:ખને દૂર કરી દે છે અને ભક્ત પર કૃપાની વૃષ્ટિ કરી દે છે.

Share Now