– પીડિત ગ્રાહકની તરફેણમાં ગ્રાહક પંચનો મહત્વનો ચુકાદો
– આઈટીસી મૌર્યના સલુનની બેદરકારીને કારણે મહિલા હતાશાનો ભોગ બની અને તેણે સારા પગારની નોકરી પણ ગુમાવવી પડી
નવી દિલ્હી : ગુરૂગ્રામમાં રહેતી વાળના પ્રોડકટની એક 45 વર્ષીય મોડેલને ફાઈવ સ્ટાર હોટેલ દ્વારા ખામીયુક્ત હેરસ્ટાઈલ કરવા બદલ રૂા. 2 કરોડનુ વળતર ચુકવવાનો આદેશ રાષ્ટ્રીય ગ્રાહક પંચે આપ્યો છે.માનસિક ત્રાસ જન્માવે અને કારકિર્દીને જોખમમાં મુકે તેવી રીતે ખામીયુક્ત હેર કટીંગ કરવાના કાર્યને પંચે સલોનની બેદરકારી તરીકે ગણાવી હતી.બે જજની બેન્ચે નોંધ કરી હતી કે મહિલાઓ ખાસ કરીને પોતાના વાળ બાબતે અતિ સાવચેત અને સાવધ હોય છે.તેઓ પોતાના વાળની માવજત અને દેખરેખ માટે મોટી રકમ ખર્ચતી હોય છે.ઉપરાંત તેઓ પોતાના વાળ બાબતે લાગણીશીલ પણ હોય છે.
બેન્ચે વધુમાં એવી પણ નોંધ કરી હતી કે ફરિયાદી આશના રોય વાળના ઉત્પાદનો માટે મોડેલિંગ કરતી હતી અને અનેક બ્રાન્ડ માટે મોડલિંગ કાર્ય કર્યું હતું.પણ પોતાની સૂચનાથી વિપરીત વાળ કાપવાને કારણે તેણે પોતાના એસાઈનમેન્ટ્સ ગુમાવવા પડયા હતા જેના કારણે તેને મોટું નુકસાન ભોગવવું પડયું. ગ્રાહક પંચે હોટલને વાળની સારવાર બાબતે મેડિકલ બેદરકારી દાખવવાના આરોપસર પણ જવાબદાર ઠેરવી છે.આદેશમાં જણાવાયું છે કે હોટલના સ્ટાફની બેદરકારીને કારણે મોડેલનું તાળવું દાઝી ગયું હતું અને હજી પણ તેમાં એલર્જી અને બળતરા થઈ રહી છે.
મોડેેલે એપ્રિલ 2018માં એક ઈન્ટરવ્યુ માટે તૈયાર થવા વાળની માવજત અને સ્ટાઈલીંગ માટે આઈટીસી મૌર્યના સેલોનની મુલાકાત લીધી હતી.એ દિવસે તેનો નિયમિત હેર ડ્રેસર હાજર ન હોવાથી અન્ય હેર ડ્રેસરને આ કામ સોંપવામાં આવ્યું હતું.રોયે હેર ડ્રેસરને સ્પષ્ટપણે પોતાના ચહેરા પર અને પાછળ લાંબી લટ રાખવાની તેમજ છેડેથી 4 ઈંચ વાળ ટ્રિમ કરવાની સૂચના આપી હતી.
તપાસમાં જણાયું હતું કે રોયને ચશ્મા હતા અને તેને સમગ્ર હેર કટિંગ પ્રક્રિયા દરમ્યાન માથુ નીચે રાખવા જણાવાયું હતું.પરિણામે તેને કાચમાં દેખાયું નહોતું.રોયને કહેવામાં આવ્યું કે તેને ‘લંડન હેરકટ’ આપવામાં આવી રહ્યું છે.પણ રોયે જ્યારે કાચમાં જોયું તો તેને આંચકો લાગ્યો.તેના કહેવા મુજબ હેર ડ્રેસરે તેની સૂચનાથી વિપરીત 4 ઈંચ છોડીને તેના તમામ વાળ કાપી નાખ્યા હતા.