– NGT અને કેન્દ્ર સરકારને સૂચન
– ગુજરાતના પર્યાવરણીય પ્રશ્નો માટે લોકોને પુણે જવું પડતું હોવાથી અમદાવાદમાં બેન્ચ સ્થાપવા માગણી કરાઇ હતી
અમદાવાદ : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની એક બેન્ચ ગુજરાતના અમદાવાદમાં પણ સ્થાપવાનું સૂચન આપતો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.અત્યારે ગુજરાતના પર્યાવર્ણીય મુદ્દાઓને રજૂ કરવા લોકોને ટ્રિબ્યુનલની પુણે બેન્ચ સુધી ધક્કો ખાવો પડતો હોવાથી એક સર્કિટ બેન્ચ ગુજરાતમાં પણ હોવી જોઇએ તેવી માગણી જાહેર હિતની રિટમાં કરવામાં આવી હતી.જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે આ મુદ્દે વિચારણા કરવા નેશનગ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરમેન અને કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે.
હાઇકોર્ટમાં અરજદારો તરફથી રજૂઆત કરાઇ હતી કે લોકોને શુદ્ધ હવા,પાણી અને વાતાવરણ મળી રહે તે તે મુદ્દે ઉપસ્થિત થતા વિવિધ પ્રશ્નોના નિકાસ માટે વિશેષરૃપે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી છે.ટ્રિબ્યુનલી પ્રિન્સિપાલ બેન્ચ નવી દિલ્હીમાં છે અને અન્ય ચાર બેન્ચ ભોપાલ,પણે,કોલકાતા અને ચેન્નઇમાં છે.જેમાં ગુજરાતનો સમાવેશ પુણે બેન્ચના સત્તાક્ષેત્ર હેઠળ થાય છે.આમ છતાં પુણે દૂર હોવાથી મોટાભાગના અરજદારો માટે ત્યાં સુધી જવું મુશ્કેલીભર્યુ અને ખર્ચાળ છે.તેમાં પણ કોઇ આદિવાસી સમુદાય કે અન્ય ગરીબ સમુદાયના લોકોને પુણે સુધી જવું ખર્ચાળ બની રહે છે.
આ ઉપરાંત ગુજરાતમાંથી આવતા કેસોની સંખ્યા અને તમામ અરજદારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતમાં પણ એક સર્કિટ બેન્ચની સ્થાપના થાય તો ઘણાં પર્યાવરણીય પ્રશ્નોનો ઝડપી નિકાલ આવી શકે તેમ છે.તમામ પક્ષોને સાંભળી હાઇકોર્ટે સૂચન કર્યુ છે કે કેન્દ્ર સરકાર અને ટ્રિબ્યુનલના ચેરમેન આ મુદ્દે વિચારણા કરે અને અમદાવાદમાં એક બેન્ચ શરુ થશે તો તે ન્યાયના હિતમાં રહેશે.