ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં યોજાશે.જો કે ભાજપે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.હિંમતનગર સભામાં સંબોધન કરતા વિધનાસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા મેદાનમાં હોવાનો સંકેત સી.આર.પાટીલે આપ્યા છે,જેના કારણે ફરી રાજકારણ ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકારણમાં કાયમી ધોરણે કઈ હોતું નથી અને તેમાં પણ જો વાત ભાજપની હોય તો ભાજપ માટે ચૂંટણીનો જંગ હોય તો અનેક રણનીતિ અપનાવવામાં આવે છે.જો કે છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત માં ‘નો રિપીટ’ થિયરી અમલમાં છે એ ચૂંટણીની વાત હોય કે સંગઠનની વાત હોય કે પછી નવા મંત્રીમંડળની વાત હોય.પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે કમાન સંભાળી ત્યારથી નવા ચહેરાઓ ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.જો કે ભાજપ આને રણનીતિનો એક ભાગ માને છે.
મહત્વનું છે કે હિંમતનગર પેજપ્રમુખ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા 100 નવા ચહેરા ચૂંટણીના મેદાનમાં હશે તેવી વાત કરવામાં આવી છે, જેના કારણે યુવા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે, જો કે કેટલાક વર્તમાન MLAમાં સોપો પડી ગયો છે.
ટિકિટ વાંચ્છુકોએ અત્યારથી ‘ગોડ ફાધર’ના આંટા શરૂ કર્યા
જો કે આ નિવેદન બાદ અત્યારથી ધારાસભ્યો હરકતમાં આવી ગયા છે.જ્યાં એક તરફ કેટલાક ધારાસભ્ય પોતાના પર્ફોમન્સ પર ફોક્સ કરી રહ્યા તો બીજી તરફ કેટલાક ધારાસભ્યો તથા ટિકિટ વાંચ્છુકોએ અત્યારથી ‘ગોડ ફાધર’ના આંટા શરૂ કરી દીધા છે.જો કે વિધાનસભાની ચૂંટણીમાં કોણ ભાજપનો ઉમેદવાર હશે એનો અંતિમ નિર્ણય તો પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જ કરવામાં આવશે, સી.આર.પાટીલના આ નિવેદનથી નો રિપીટ થિયરી અંગે ફરી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગુજરાતના રાજકારણમાં નો રિપીટ થિયરી નવી નથી.આ પહેલા નરેન્દ્ર મોદીએ પહેલીવાર જ્યારે ગુજરાતની ધૂરા સંભાળી હતી,ત્યારે પણ નો રિપીટ થિયરીને ધ્યાનમાં રાખી અનેક બદલાવ કરાયા હતા,અનેક નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું હતું અને વર્ષો બાદ ફરી એકવાર એ જ રણનીતિ પર ભાજપ આગળ વધી રહ્યું છે,ત્યારે જોવાનું એ છે કે આ વખતે આ રણનીતિ કેટલી સફળ થશે.