સલમાન ખાનની ગળું દબાવીને હત્યા કરાઈ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

71

– સરદાર માર્કેટની પાછળ નવા કમેલા સંજયનગરમાં ઘર પાસેથી થોડા દિવસ પહેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.તે સમયે પુણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરત : સુરત શહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.સુરતમાં રહેતા સલમાન ખાન નામના યુવાનની ગળું દબાવીને હત્યા કરી નાંખવામાં આવ્યું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે.બનાવની હકીકત એવી છે કે સરદાર માર્કેટની પાછળ નવા કમેલા સંજયનગરમાં ઘર પાસેથી થોડા દિવસ પહેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.તે સમયે પુણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પુણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સરદાર માર્કેટની પાછળ નવા કમલા સંજયનગરમાં રહેતા મૃતક યુવક મહેમુદ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ મૂળ મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના જલગાંવના વતની છે તેમનો 26 વર્ષીય દીકરો સલમાન છે. છૂટક કામ કરતા મેમુદ ખાન પઠાણનો દીકરો સલમાન ગુરુવારની મોડી રાત્રિએ ઘર નજીકથી મૃત હાલતમાં રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો.

મૃતક સલમાનના સબંધીએ જણાવ્યું હતું કે સલમાનનો બે ત્રણ દિવસ પહેલા જ કોઈ અજાણ્યા શખ્સો સાથે ઝઘડો થયો હતો.અને તે બાદ રહસ્યમય સંજોગોમાં સલમાનનો મૃતદેહ મળી આવ્યો હતો.પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તેના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.તે દરમિયાન પોસ્ટમોર્ટમમાં સલમાન ખાનની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું હતું.પુણા પોલીસે ગઇકાલે મોડી રાત્રે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં ત્રણ દિવસમાં હત્યાનો આ વધુ એક બનાવ સામે આવ્યો છે.થોડા દિવસ પહેલા સુરતના રાંદેર ઉગત વિસ્તારમાં એક મહિલાએ તેના ત્રણ વર્ષના પુત્રનું ગળું દબાવી દઈને પોતે પણ આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.આ બનાવમાં પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ હાથે લાગી હતી.જેમાં ઉલ્લેખ કર્યો હતો કે તેણીએ પતિના આડા સબંધ અને સાસુના ત્રાસથી કંટાળીને આ હિચકારી કૃત્ય ભર્યું છે.આ કેસમાં પોલીસે હવે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

ઉગત વિસ્તારમાં માતાપિતાના ઘરે રહેતી પરિણીતાએ પતિના સગી ભાભી સાથે જ અનૈતિક સબંધ અને સાસુના ત્રાસથી કંટાળીને પોતાના દિલના ટુકડા એવા સાડા ત્રણ વર્ષના પુત્રનું ધ્રુજતા હાથે ગળુ દબાવી દઈને હત્યા કરીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.રાંદેર પોલીસે પતિ,સાસુ અને જેઠાણી વિરુદ્ધ આપઘાતનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

Share Now