ક્રૂડ ઓઇલ ઉત્પાદન પર રૂ 66,000 કરોડનો વિન્ડફોલ ટેક્સ

32

નવી િદલ્હી : કેટલીક રિફાઇનરી દ્વારા સ્થાનિક સપ્લાયના ભોગે વિદેશમાં ઓઇલની નિકાસ કરી‘તગડો નફો’કર્યો હોવાથી સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર ટેક્સ નાખ્યો છે.આ સાથે દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પર રૂ.૬૬,૦૦૦ કરોડનો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો છે.નાણામંત્રાલયના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પહેલી જુલાઇથી પેટ્રોલ અને એટીએફની નિકાસ પર પ્રતિ લિટર રૂ.૬ અને ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર રૂ.૧૩ ટેક્સ લાગશે.વધુમાં દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પર પ્રતિ ટન રૂ.૨૩,૨૫૦ ટેક્સ લેવાશે.ગયા વર્ષના લગભગ ૨.૯ કરોડ ટનના ઉત્પાદન પ્રમાણે સરકારને તેની રૂ.૬૬,૦૦૦ કરોડની વાર્ષિક આવકનો અંદાજ છે.

એપ્રિલ ૨૦૨૨થી શરૂ થયેલા નાણાકીય વર્ષના પહેલા બે મહિનામાં ૫૭ લાખ ટન ડીઝલ અને ૨૫ લાખ ટન પેટ્રોલની નિકાસ કરવામાં આવી છે અને આ ટ્રેન્ડ આખું વર્ષ ચાલુ રહેશે તો ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સ અને નિકાસ પર વેરાની આવકને પગલે સરકારને પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીના કાપથી થયેલું નુકસાન સરભર થશે.નિકાસ વેરાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રોસનેફ્ટની નાયરા એનર્જી પર પ્રતિકૂળ અસર થશે.નવા ટેક્સ અંગેની માહિતી આપતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, “રિફાઇનરીઓ દ્વારા ઓઇલની વિદેશમાં નિકાસ કરીને તગડી કમાણી કરી છે.

તેને લીધે નવો ટેક્સ લાદવાની જરૂર ઊભી થઈ છે.કોઇ નફો કરે એનો અમને વાંધો નથી,પણ(પેટ્રોલ પમ્પ)પર ઇંધણ ઉપલબ્ધ નથી અને તેની નિકાસ થઈ રહી છે.જેમાંથી કંપનીઓએ મોટો નફો કર્યો છે.આ નાણાંનો થોડો હિસ્સો અમારા નાગરિકોને કામ લાગે એટલા માટે અમે બેવડો અભિગમ અપનાવ્યો છે.તેનો હેતુ નિકાસ ઘટાડવાનો કે ભારતને રિફાઇનિંગ હબ બનતા અટકાવવાનો નથી.અસાધારણ સમયમાં આવા પગલાં લેવા જરૂરી છે.”ઉલ્લેખનીય છે કે,ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાએ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં બમ્પર નફો કર્યો હતો.તેને લીધે સરકારને આ ટેક્સ લાદવાની જરૂર જણાઈ છે.

Share Now