નવી દિલ્હી,તા. 15. ઓગસ્ટ, 2022 સોમવાર : દેશની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત આજે લાલ કિલ્લા પરથી તિરંગાને સલામી આપવા માટે ભારતમાં જ બનેલી તોપનો ઉપયોગ કરાયો હતો.અત્યાર સુધી વિદેશી તોપોથી 15 ઓગસ્ટના ધ્વજવંદન વખતે સલામી અપાતી પણ આજે ભારતના જ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને ડેવલપ કરેલી તોપથી તિરંગાને સલામી અપાઈ હતી.સાથે સાથે પહેલી વખત એમઆઈ 17 હેલિકોપ્ટરોએ લાલ કિલ્લા પર પુષ્પવર્ષા કરી હતી.
ડીઆરડીઓની સ્વદેશી તોપની જો સરખામણી બોફોર્સ સાથે કરવામાં આવે તો ભારતમાં બનેલી આ ગન વધારે પાવરફુલ છે.બોફોર્સની રેન્જ 32 કિમી હોય છે.જ્યારે સ્વદેશી તોપ 48 કિમી સુધી માર કરી શકે છે.બોફોર્સ તોપ એક મિનિટમાં 3 રાઉન્ડ અને સ્વદેશી ગન એક મિનિટમાં પાંચ રાઉન્ડ ફાયર કરી શકે છે.આ તોપ રાત્રે પણ નિશાન સાધવા માટે સક્ષમ છે.આ માટે તેમાં થર્મલ સાઈટ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે.
સ્વતંત્રતા દિવસ પર તિરંગાને 21 તોપની સલામી આપવાની પરંપરા છે.જોકે તેમાં બ્લેન્ક ગોળા ફાયર કરાય છે.ગોળામાં દારુગોળો હોય છે પણ કોઈ જાતના પ્રોજેકટાઈલ ફિટ નથી કરાતા.તેના કારણે સલામી આપતી વખતે માત્ર ધડાકા થાય છે અને કોઈને નુકસાન પહોંચવાનો સવાલ ઉભો થતો નથી.