– દાણચોરી કરેલું સોનું વિદેશથી ભારતમાં લવાયાની માહિતી મળતા દરોડા
– લોજિસ્ટિક કંપનીનો ઉપયોગ કરી સોનાની દાણચોરી કરવાનો પર્દાફાશ
– ડીઆરઆઈ દ્વારા ત્રણ સ્થળે દરોડા પાડી સોનાના બિસ્કિટ જપ્ત કરાયા
ઓપરેશન ‘ગોલ્ડ રશ’ હેઠળ ડીઆરઆઈએ મોટી કાર્યવાહી પાર પાડી છે.DRIએ આશરે 33.40 કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે.મોટા પ્રમાણમાં દાણચોરી કરેલું સોનાનું કન્સાઈનમેન્ટ મિઝોરમના રસ્તેથી ભારતમાં ઘૂસાડવાના કારસ્તાનની માહિતી મળતા ડીઆરઆઈએ દરોડા પાડ્યા હતા.લગભગ 65.46 કિલો સોનું ઉત્તર-પૂર્વના દેશોમાંથી મુંબઈ,પટણા અને દિલ્હીમાં લવાઈ રહ્યું હતું,ત્યારે આ કાર્યવાહી કરાઈ હતી.આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઘરવખરીના સામાનમાં સોનું છુપાવીને લાવવાનું કારસ્તાન
દાણચોરી માટે ડોમેસ્ટિક કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીનો ઉપયોગ થતો હતો.સોનાના બિસ્કીટો વિવિધ પ્રકારની ઘરવખરીમાં છુપાવીને લવાયા હતા.સૌ પ્રથમ DRIએ મહારાષ્ટ્રના ભિવંડીમાં ઓપરેશન ગોલ્ડ રશ હેઠળ 120 સોનાના બિસ્કિટ પકડ્યા હતા,જેનું વજન લગભગ 19.93 કિલો છે અને તેની કિંમત અંદાજે 10.18 કરોડ રૂપિયા છે.
પટણામાં લોજિસ્ટિક્સ કંપનીના વેરહાઉસ પર દરોડા
તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિદેશથી મિઝોરમ અને મિઝોરમથી મુંબઈ પહોંચાડાયેલા આ કન્સાઈન્ટમેન્ટની બે ખેપ દિલ્હી અને પટણામાં પણ કુરિયર દ્વારા ડિસ્પેચ કરવામાં આવી છે.ત્યારબાદ પટનામાં આ જ લોજિસ્ટિક્સ કંપનીના વેરહાઉસ પર દરોડા પાડીને 28.57 કિલો વજનના અને લગભગ 14.50 કરોડ રૂપિયાની કિંમતના 172 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં દરોડો પાડી 102 સોનાના બિસ્કિટ જપ્ત
આ કન્સાઈનમેન્ટનું ત્રીજી ખેપ દિલ્હીથી પકડવામાં આવી હતી.અહીંથી 16.96 કિલો વજનના 102 સોનાના બિસ્કિટ અને અંદાજિત કિંમત 8.69 કરોડ રૂપિયા છે.આ રીતે કુલ 394 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતા,જેનું વજન 65.46 કિલો હતું અને તેની કુલ કિંમત આશરે 33.40 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.