૨૨,૮૪૨ કરોડની બેંક છેતરપિંડીમાં ABG શિપયાર્ડના સ્થાપક ઋષિ અગ્રવાલની ધરપકડ

25

– સીબીઆઇએ સાત ફેબુ્રઆરીએ અગ્રવાલ અને અન્ય વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો
– આઇસીઆઇસીઆઇ બેંકના નેતૃત્ત્વમાં ૨૮ બેંકો અને નાણાકીય સંસ્થાઓએ લોનની સુવિધા આપી હતી

નવી દિલ્હી, તા. ૨૧ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ બુધવારે ABG શિપયાર્ડ લિમિટેડના સ્થાપક અને ચેરમેન ઋષિ કમલેશ અગ્રવાલની ૨૨,૮૪૨ કરોડ રૃપિયાના કથિત બેંક છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે સીબીઆઇએ આઇપીસી અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનાહિત કાવતરું,છેતરપિંડી,ગુનાહિત વિશ્વાસઘાત અને પદના દુરુપયોગના આરોપો હેઠળ કંપનીના પૂર્વ અધ્યક્ષ અગ્રવાલ અને અન્ય વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.આઇસીઆઇસીઆઇ બેંકના નેતૃત્ત્વમાં ૨૮ બેંકો અને નાણાકીય સંસ્થાઓએ કંપનીને ે લોનની સુવિધા આપી હતી.જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) દ્વારા આપવામાં આવેલ ૨૪૬૮.૫૧ કરોડ રૃપિયાની લોન સામેલ છે.

ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૨ અને ૨૦૧૭ની વચ્ચે આરોપીઓએ એકબીજા સાથે સાઠગાંઠ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો.જેમાં ફંડનો દુરુપયોગ અને ગુનાહિત વિશ્વાસઘાત સામેલ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે લોનની રકમનો ઉપયોગ એે ઉદ્દેશો માટે કરવામાં આવ્યો ન હતો જેના માટે લોન આપવામાં આવી હતી.બેંકોએ સૌપ્રથમ આઠ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ફરિયાદ કરી હતી.જેના સંદર્ભમાં સીબીઆઇએ ૧૨ માર્ચ, ૨૦૨૦ના રોજ સ્પષ્ટતા માગી હતી.ત્યારબાદ ઓગસ્ટ,૨૦૨૦માં નવેસરથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ત્યારબાદ દોઢ વર્ષ પછી સીબીઆઇએ સાત ફેબુ્રઆરીએ એફઆઇઆર દાખલ કરી હતી.

Share Now